સમયસાર ગાથા-૨૦૪ ] [ ૨૦૧ ભારથી ચિરકાળ સુધી કલેશ પામે તો પામો. એટલે શું? એટલે કે-પરની (છકાયની) દયા પાળવી, સત્ય બોલવું, શરીરથી બ્રહ્મચર્ય રાખવું, બાહ્ય (વસ્ત્રાદિનો) ત્યાગ કરવો. ઉપવાસાદિ તપ કરવું-ઇત્યાદિ જે પાળે છે તે કલેશને પામે છે એમ કહે છે. ભારે વાત છે ભાઈ! પણ જુઓને! આ શાસ્ત્ર પોકાર કરીને કહે છે ને! ભાઈ! એ રાગનું આચરણ સદાચરણ નથી પણ અસદાચરણ છે. સદાચરણ તો સત્ સ્વરૂપ એવા સચ્ચિદાનંદમય ભગવાન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન અને એમાં લીનતા રમણતા કરવી તે છે. બસ, આમ છે છતાં અજ્ઞાની પોતે જે શુભાચરણ કરે છે તેને ધર્મ માને છે! છે વિપરીતતા! ભાઈ! અહીં તો એમ કહેવું છે કે-જેને સ્વરૂપાચરણ પ્રગટયું છે એવો સમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગમાં છે જ્યારે જિનાજ્ઞા પ્રમાણે પંચ મહાવ્રત આદિ પાળનારો મિથ્યાદ્રષ્ટિ બંધમાર્ગમાં-સંસારમાર્ગમાં છે, દુઃખના-કલેશના પંથે છે.
અહાહાહા...! ભાષા તો જુઓ! કહે છે-‘મહાવ્રત અને તપના ભારથી...’ મતલબ કે મહાવ્રત ને તપ ભાર છે, બોજો છે; કેમકે એ બધો રાગ છે ને! રાગ છે માટે કલેશ છે અને કલેશ છે તે બોજો છે. તેમાં સહજાનંદસ્વરૂપ પ્રભુ આત્માના આનંદની પરિણતિ કયાં છે? માટે તે બોજો છે, ભાર છે. અહાહાહા...! અહિંસાદિ વ્રતના પરિણામ, સમિતિ, ગુપ્તિ, એકવાર ભોજન કરવું, નગ્ન રહેવું ઇત્યાદિ બધો વ્યવહાર છે તે રાગ છે, ભાર છે, બોજો છે.
કહે છે-કોઈ જીવો મહાવ્રત અને તપના ભારથી ઘણા વખત સુખી ભગ્ન થયા થકા-તૂટી મરતા થકા કલેશ પામે તો પામો. લ્યો, ‘ઘણા વખત સુધી’-એટલે કે કરોડો વર્ષો સુધી, અબજો વર્ષો સુધી. જુઓ, કોઈ આઠ વર્ષે દીક્ષા લે અને કરોડો પૂર્વનું આયુષ્ય હોય ને ત્યાં સુધી મહાવ્રત ને તપ કરી કરીને તૂટી મરે તોય તેને કલેશ છે, ધર્મ નથી- એમ કહે છે. કેમ? કેમકે તે જિનાજ્ઞા પ્રમાણે વ્યવહાર તો પાળે છે પણ તેને અંતર્દ્રષ્ટિ નથી, આત્મદ્રષ્ટિ નથી.
તો અમે આ (વ્રતાદિ શુભાચરણ) કરીએ છીએ તે શું ધર્મ નથી? ભાઈ! તમે ગમે તે કરો; તમારા પરિણામની જવાબદારી તમારે શિર છે. અહીં તો પ્રભુ! વસ્તુ જેમ છે તેમ કહેવામાં આવે છે. (વસ્તુ સાથે તમારા પરિણામ મેળવવાનું કામ તમારું પોતાનું છે). ભાઈ! આ કોઈ વ્યક્તિની વાત નથી; આ તો સિદ્ધાંતની વાત છે.
અહીં તો આ સિદ્ધ કરે છે કે-વીતરાગની આજ્ઞા બહારના અજ્ઞાનીઓ ભલે પંચાગ્નિ તપ તપે, અણીવાળા લોઢાના સળિયા પર સૂવે અને બાર બાર વર્ષ સુધી ઊભા રહે ઇત્યાદિ અનેક આજ્ઞા બહારની ક્રિયા કરે તોપણ તેઓ કલેશને જ પામે છે.