સમયસાર ગાથા-૨૦પ ] [ ૨૦૯
‘વાંચે પણ નહિ કરે વિચાર, તે સમજે નહિ સઘળો સાર.’ અહાહા...! આત્મા જ્ઞાન અને આનંદના સ્વભાવથી પૂર્ણ ભરેલો ભગવાન છે. તેમાં એકાગ્રતા થવાથી જે નિર્વિકાર વીતરાગી પરિણામ ઉત્પન્ન થાય તે જ્ઞાનમાંથી આવેલું જ્ઞાન આત્મજ્ઞાન છે. આવા આત્મજ્ઞાનથી શૂન્ય ઘણાય જીવો ઘણા પ્રકારનાં કર્મ- શુભાચરણ કરવાથી પણ આ જ્ઞાનપદને-ચૈતન્યપદને કે જે પૂર્ણદશામાં એકાકાર છે તેને પામતા નથી. શું કહ્યું? કે જ્ઞાન શૂન્ય જીવો-જ્ઞાન એટલે આગમજ્ઞાન કે શાસ્ત્રજ્ઞાન એ જ્ઞાન નહિ, પણ પ્રત્યક્ષ સ્વસંવેદનજ્ઞાનથી શૂન્ય જીવો-શુદ્ધ આત્માના જ્ઞાનથી રહિત જીવો-વ્યવહારની અનેક ક્રિયાઓ-ચોખ્ખી હોં-કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી એમ કહે છે. અને આ જ્ઞાનપદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી. કર્મ એટલે જડકર્મ અને ભાવકર્મથી તેઓ મુક્ત થતા નથી. જ્ઞાનશૂન્ય જીવો જડકર્મ અને ભાવકર્મથી મુક્ત થતા નથી એમ કહે છે. હવે આવી વાત ક્રિયાકાંડીઓને આકરી લાગે પણ શું થાય?
ભાઈ! અહીં અશુભ કર્મની-અશુભ પરિણામની તો વાત જ કરવી નથી. અહીં તો એમ કહેવું છે કે જેમને ‘હું આત્મા છું’-એવું ભાન થયું નથી એવા જ્ઞાનશૂન્ય ઘણાય જીવો અનેક પ્રકારનું કર્મ એટલે શુભરાગનું આચરણ કરવાથી પણ આ જ્ઞાનપદને પ્રાપ્ત કરતા નથી. જુઓ આ સ્પષ્ટીકરણ! કેમ પામતા નથી? કેમકે એ શુભરાગની ક્રિયાથી આત્મજ્ઞાન કે સમ્યગ્દર્શન થાય એમ છે નહિ. ખૂબ ગંભીર વાત ભાઈ! શું? કે વ્યવહાર કરતાં કરતાં કોઈને નિશ્ચય થાય એ વાતની અહીં ના પાડે છે.
પ્રશ્નઃ– પણ ડગલું ભરતાં ભરતાં થાય ને? સમાધાનઃ– ધૂળેય ન થાય સાંભળને. ડગલું? ભાઈ! તારે ડગલું શેમાં ભરવું છે? રાગમાં કે અંદર જ્ઞાનમાં? રાગનું ડગલું તો પરદિશા તરફનું છે કે જે બંધનું- સંસારનું કારણ છે. શું બંધના કારણનું ડગલું ભરતાં અબંધનું કારણ પ્રગટ થાય? શું સંસાર ભણી ડગલું ભરતાં મુક્તિમાર્ગ પ્રાપ્ત થાય? ન થાય બાપા! તને આકરું પડે છે ભાઈ! પણ શું થાય? ભાઈ! આ તારા હિતનો પંથ અહીં તને બતાવે છે. કહે છે- જ્ઞાનસ્વરૂપ આત્માના જ્ઞાનની પરિણતિથી જ તેને પૂર્ણ જ્ઞાનની-કેવળજ્ઞાનની પર્યાયની પ્રાપ્તિ થાય છે. અહાહા...! ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ છે; તે તેની આનંદની પર્યાયથી જ પ્રાપ્ત થાય છે. અહાહા...! ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ આનંદસ્વરૂપ ભગવાનના સન્મુખની પર્યાયથી જ પરમાનંદની પર્યાય-મોક્ષની પર્યાય પ્રગટે છે. ભાઈ! તને ન રુચે અને બીજી રીતે માને પણ બાપા! એમ કેમ ચાલે? વીતરાગ મારગમાં સ્વચ્છંદતા- વિપરીતતા કેમ ચાલે?