Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2123 of 4199

 

૨૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

ભાઈ! તું વિપરીત માન્યતા રાખીને સવાર-બપોર-સાંજ પ્રતિક્રમણ-સામાયિક ને પ્રૌષધ આદિ અનેક પ્રકારે ક્રિયાકાંડ કરે તોપણ તેનાથી તને લાભ નહિ થાય, એ વડે જ્ઞાનપદની પ્રાપ્તિ નહિ થાય. અને જ્ઞાનપદને પ્રાપ્ત થયા વિના કર્મના બંધનથી મુક્તિ નહિ થાય, નિર્જરા નહિ થાય. તેથી જ કહે છે-

‘માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.’ પહેલાં ટીકામાં કહ્યું કે કેવળ એક જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને હવે આ કહ્યું કે કર્મથી એટલે કે જડકર્મ અને ભાવકર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ એક જ્ઞાનનું જ આલંબન લઈ નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. અહાહા...! પૂર્ણજ્ઞાનની દશામય એવું આ એક પદ જ પ્રાપ્ત કરવાયોગ્ય છે. કેવી રીતે? તો કહે છે-એક જ્ઞાનના જ આલંબનથી, જ્ઞાનની જ એકાગ્રતા વડે. બહુ ટુંકુ!

* ગાથા ૨૦પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ;’... અહીં જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન કે આગમજ્ઞાન નહિ, આત્માની પર્યાયનું જ્ઞાન એમ પણ નહિ ને રાગનું જ્ઞાન એમ પણ નહિ. અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન, ત્રિકાળી શુદ્ધ પરમાત્મદ્રવ્ય પોતે છે તેનું સ્વસંવેદનમાં-સ્વાનુભવમાં પ્રગટ થયેલું જ્ઞાન. આવા આત્મજ્ઞાનથી જ-જ્ઞાનના પરિણમનથી જ મોક્ષ થાય છે, રાગના પરિણમનથી -ક્રિયાકાંડથી નહિ. ટીકામાં કહ્યું ને કે આ એક જ્ઞાનપદ જ, પૂર્ણજ્ઞાનની-કેવળજ્ઞાનની દશામય નિયત એક સર્વજ્ઞપદ જ પ્રાપ્ત કરવાયોગ્ય છે અને શુદ્ધ આત્મસ્વભાવના આલંબનથી જ-જ્ઞાનના પરિણમનથી જ-શુદ્ધોપયોગથી જ પ્રાપ્ત થાય છે. શુદ્ધોપયોગરૂપ પરિણમન વિના, બીજા લાખ ક્રિયાકાંડ કરે તો પણ મોક્ષપ્રાપ્તિ ન થાય.

‘માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.’ શું કરવું, અમારે શું કરવું?-એમ થાય છે ને? લ્યો, આ કરવું એમ કહે છે. શું? કે ‘જ્ઞાનનું જ ધ્યાન કરવું.’ અહાહા...! જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થઈ તેમાં જ રમવું ને ઠરવું. આ પૂર્ણ આનંદસ્વરૂપ મોક્ષદશાની પ્રાપ્તિનો ઉપાય છે. આ એક જ ઉપાય છે. આ સિવાય બીજો પણ ઉપાય છે એમ છે નહિ.

*

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૪૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इदं पदं’ આ (જ્ઞાનસ્વરૂપ) પદ ‘ननु कर्म–दुरासदं’ કર્મથી ખરેખર દુરાસદ છે.