સમયસાર ગાથા-૨૦પ ] [ ૨૧૧
અહાહા...! જાણગ-જાણગસ્વભાવી પ્રભુ આત્મા કર્મથી ખરેખર દુરાસદ છે; દુરાસદ એટલે દુષ્પ્રાપ્ય-અપ્રાપ્ય છે એમ કહે છે. ભાઈ! દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ કર્મકાંડથી આત્મા પ્રાપ્ત થવા યોગ્ય નથી. આવું ચોખ્ખું તો આચાર્ય કહે છે. (છતાં અરે! અજ્ઞાની વિપરીત કેમ માને છે?) રાગની ક્રિયાથી આત્મા દુરાસદ છે, અપ્રાપ્ય છે અર્થાત્ તેનાથી તે (આત્મા) જાણી શકાય એવો નથી.
અને ‘सहज–बोध–कला–सुलभं किल’ સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે. શું કહ્યું? કે મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન જે સહજ-સ્વાભાવિક જ્ઞાનકળા છે તેનાથી તે ખરેખર સુલભ છે. વ્યવહારની ગમે તેટલી ક્રિયાથી પણ વસ્તુ દુર્લભ છે જ્યારે પોતાના જ્ઞાનથી -અંદર એકાગ્ર થયેલા જ્ઞાનથી-મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનની સહજ કળાથી તેની પ્રાપ્તિ સુલભ છે. આવી વાત છે.
હવે કહે છે-‘ततः’ માટે ‘निज–बोध–कला–बलात्’ નિજજ્ઞાનની કળાના બળથી ‘इदं कलयितुम्’ આ પદને અભ્યાસવાને ‘जगत् सततं यततां’ જગત સતત પ્રયત્ન કરો.
‘આ પદ’-એમ કહ્યું છે ને! એટલે કે આ જે પ્રત્યક્ષ જ્ઞાનસ્વરૂપ છે તેનો અભ્યાસ કરવાલાયક-અનુભવ કરવાલાયક છે એમ કહે છે. અહાહા...! પોતાની જ્ઞાનકળાના બળથી અર્થાત્ અંતરમાં ભેદજ્ઞાન વડે પ્રગટ થયેલાં મતિ-શ્રુતજ્ઞાનની સહજ કળાના બળથી જગત આખું ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્માનો અનુભવ કરવાનો ઉદ્યમ કરો એમ માર્ગની પ્રેરણા આપે છે, હવે કોઈ તો વ્રત કરો ને તપ કરો, ભક્તિ કરો ને પૂજા કરો ને જાત્રા કરો એમ કરો-કરો કહે છે પણ ભાઈ! એ ક્રિયાકાંડ તો બધોય રાગ છે અને એનાથી બંધન (પુણ્યબંધ) થાય છે. વળી તેને જે કરવાનો અભિપ્રાય છે એ તો મિથ્યાત્વ છે અને તે અનંત સંસારનું કારણ છે; શુભરાગથી ધર્મ થાય એવી માન્યતા તો મિથ્યાત્વરૂપ મહાપાપ છે અને એનું ફળ અનંત સંસાર છે.
અહાહાહા...! આત્મા વસ્તુ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મા છે. તે એક જ પ્રાપ્ત કરવાયોગ્ય-અનુભવવાયોગ્ય છે. પણ તે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી તથા રાગના ક્રિયાકાંડથી પણ તે ગ્રાહ્ય-પ્રાપ્ત નથી. એ તો એના અનુભવની પરિણતિમાત્રથી ગ્રાહ્ય છે. આચાર્ય કહે છે-જગતના જીવો... જુઓ! સાગમટે નોતરું દીધું છે, બધાયને નોંતરું છે; અનંત જીવરાશિ છે એમાંથી સાંભળનારા તો પંચેન્દ્રિયો જ છે, છતાં કહે છે- જગત-જગતના જીવો નિરંતર આત્માનો અનુભવ કરવાનો સતત પ્રયત્ન કરો-ઉદ્યમ કરો; કેમકે તેના અનુભવથી જ પૂરણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકશે, બીજી રીતે નહિ.
ત્યારે કોઈ કહે છે-મહિના-બે મહિનાના ઉપવાસ કરે તે તપ છે કે નહિ? ને તપથી નિર્જરા છે કે નહિ?
ભાઈ! ઉપવાસ કરે એમાં તો ધૂળેય તપ નથી સાંભળને, પછી એનાથી નિર્જરા