૨૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ તો કેમ હોય? ભાઈ! એ શુભરાગની ક્રિયાથી નિર્જરા માનવી એ તો મિથ્યાત્વ છે. આવી વાત છે.
‘સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્યદેવે ઉપદેશ કર્યો છે.’
અહીં કર્મનો અર્થ વિકાર-વિકારી પરિણામ, શુભભાવ, કર્મકાંડ થાય છે. અહા! અશુભભાવની તો શું વાત કહેવી? કેમકે અશુભભાવ તો છોડવાલાયક છે જ. અહીં તો શુભભાવ પણ સઘળોય છોડવા લાયક છે એમ વાત છે. પરંતુ તેથી કરીને શુભભાવ છોડીને અશુભભાવમાં આવવાની અહીં વાત નથી. અહીં તો શુભાશુભભાવનું લક્ષ છોડીને અંતઃએકાગ્ર થતાં જે શુદ્ધભાવ પ્રગટ થાય છે તે શુદ્ધભાવ પ્રગટ કરવાની વાત છે કેમકે તે શુદ્ધભાવ જ મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– પણ શુદ્ધોપયોગ તો અત્યારે (આ પંચમકાળે) હોય નહિ ને? અત્યારે તો આ શુભભાવ જ હોય ને?
સમાધાનઃ– ભાઈ! એમ નથી બાપા! શુભભાવ તો બંધનું જ કારણ છે. એક શુદ્ધોપયોગ જ મુક્તિનું કારણ છે અને તે અત્યારે પણ હોઈ શકે છે.
પ્રશ્નઃ– પણ જયધવલમાં આવે છે ને કે-શુદ્ધ અને શુભભાવ સિવાય કર્મક્ષયનો બીજો ઉપાય નથી?
સમાધાનઃ– ભાઈ! એ તો ત્યાં બીજી અપેક્ષાએ વાત છે. શુદ્ધભાવથી શુભાશુભ બન્ને કર્મની નિર્જરા થાય છે અને શુભભાવથી અશુભની નિર્જરા થાય છે. પણ કોને? સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને. અજ્ઞાનીને તો અશુભ-મિથ્યાત્વ ઊભું જ છે. તેને નિર્જરા કયાં છે? અજ્ઞાનીને તો શુભભાવથી એકલો બંધ જ થાય છે. આવી વાત છે.
અહીં કહે છે-સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો (આત્માનો) અભ્યાસ (અનુભવ) કરવાનો આચાર્યદેવે ઉપદેશ કર્યો છે. હવે કહે છે-જ્ઞાનની ‘કળા’ કહેવાથી એમ સૂચન થાય છે કે જ્યાંસુધી પૂર્ણકળા (કેવલજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાંસુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ-મતિજ્ઞાનાદિરૂપ છે. હીનકળા એટલે કે મતિજ્ઞાનાદિ અને પૂર્ણકળા એટલે કેવળજ્ઞાન. જેમ પૂર્ણ ચંદ્રની પૂર્ણ કળા હોય છે પણ બીજના ચંદ્રની પૂર્ણ કળા નહિ પણ હીન કળા હોય છે. બીજના દિવસે ત્રણ કળા હોય છે. અહા! અમાસના દિવસે પણ એક કળા તો ચંદ્રને ખીલ્યા વગર રહે જ નહિ. પછી એકમે બે કળા, બીજે ત્રણ કળા અને પ્રતિદિન વધતી વધતી પૂનમે પૂર્ણ