एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं।। २०६।।
एतेन भव तृप्तो भविष्यति तवोत्तमं सौख्यम्।। २०६।।
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬.
[रतः] રત અર્થાત્ પ્રીતિવાળો થા, [एतस्मिन्] આમાં [नित्यं] નિત્ય [सन्तुष्टः भव] સંતુષ્ટ થા અને [एतेन] આનાથી [तृप्तः भव] તૃપ્ત થા; (આમ કરવાથી) [तव] તને [उत्तमं सौख्यम्] ઉત્તમ સુખ [भविष्यति] થશે.
ટીકાઃ– (હે ભવ્ય!) એટલો જ સત્ય (-પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (-પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય (અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે; અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, *બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?)
ભાવાર્થઃ– જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું-એ પરમ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.
હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છેઃ-