૨૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ એને પ્રયોજન નથી; કેમકે એનાથી (વ્યવહારથી) પ્રયોજનની (મોક્ષમાર્ગ અને મોક્ષની) સિદ્ધિ થતી નથી એક વાત; અને જેનાથી પ્રયોજનની સિદ્ધિ થાય છે એવો ચિન્માત્ર- ચિંતામણિ ભગવાન આત્મા તેને પ્રાપ્ત થઈ ગયો છે. સમજાણું કાંઈ...? માટે હવે તે બીજાને (વિકલ્પોને) પકડીને શું કરે? શું કામ વિકલ્પોને પકડે? આ પ્રકારે જ્ઞાનીને નિર્જરા થાય છે એમ કહે છે. ભાઈ! તને મારગ આકરો લાગે છે પણ આ જ સત્ય મારગ છે. શુભભાવ કરીએ અને તે ધર્મમાં મદદરૂપ થશે એમ જ્ઞાનીને કદીય હોતું નથી.
પ્રશ્નઃ– હા, પણ કર્મથી વિકાર થાય છે ને? અને કર્મનો અભાવ થવાથી જીવ મોક્ષમાર્ગમાં પરિણમે છે ને?
સમાધાનઃ– ભાઈ! એમ નથી. પરપદાર્થથી (કર્મથી) પોતાનામાં વિકાર થાય છે એ માન્યતા યથાર્થ નથી. પરપદાર્થથી પોતાનામાં વિકાર કેમ થાય? વિકાર પોતે પોતાથી થાય છે; તેને કર્મની અપેક્ષા નથી. વિકાર થાય છે તે તેની જન્મક્ષણ છે અને તેવી રીતે મોક્ષમાર્ગ પણ તેની ઉત્પત્તિના કાળે સહજ પ્રગટ થાય છે. અહા! આવો જેને નિર્ણય થયો હોય છે તેની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર જ હોય છે. મોક્ષમાર્ગ અર્થાત્ નિર્મળ રત્નત્રય જે પ્રગટ થાય છે તે તેની ઉત્પત્તિની જન્મક્ષણ છે. તેની ઉત્પત્તિના કાળે કર્મનો અભાવ હો ભલે, પણ તેને કર્મના અભાવની કે વ્યવહારના વિકલ્પની કોઈ અપેક્ષા નથી. ભાઈ! બધું આવું ક્રમબદ્ધ ન હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ નહિ થાય. પરંતુ જેની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાયકભાવ ઉપર જ છે તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે, બીજાને મિથ્યાદ્રષ્ટિને નહિ.
ભાઈ! રાગની ઉત્પત્તિની પણ જન્મક્ષણ છે; માટે જે સમયે જે રાગ થવાનો છે તે તે તે સમયે થાય છે. તેવી રીતે શુદ્ધ રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પણ જન્મક્ષણ છે. પરંતુ એની જન્મક્ષણનો નિર્ણય અને અનુભવ કોને થાય? કે જેની જ્ઞાયક ઉપર દ્રષ્ટિ છે તેને; અને તેને જ (શુદ્ધ રત્નત્રયની) જન્મક્ષણનો કાળ સાચો પાકે છે. અહાહા...! અચિંત્યદેવ ભગવાન ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માની જેને અંતરમાં દ્રષ્ટિ થઈ તેને ક્રમબદ્ધનો યથાર્થ નિશ્ચય થાય છે અને તેમાં એક સાથે નિશ્ચયવ્યવહારરત્નત્રય બન્નેનું યથાર્થ જ્ઞાન થાય છે. ત્યાં વ્યવહારરત્નત્રય છે તે આરોપિત મોક્ષમાર્ગ છે. આરોપિત એટલે? મોક્ષમાર્ગ તરીકે આરોપિત છે, બાકી રાગ તરીકે તે યથાર્થ-સત્યાર્થ છે.
શું કહ્યું એ? કે રાગ તરીકે એ વ્યવહાર આરોપિત નથી, કેમકે રાગ દશાએ તો એ સત્યાર્થ જ છે પરંતુ તેને મોક્ષમાર્ગ કહેવો તે આરોપિત છે. સમજાણું કાંઈ...?
અરે! જન્મ-મરણ કરી કરીને તું હેરાન-હેરાન થઈ ગયો છો બાપા! જુઓને,