૨૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ મિથ્યાત્વાદિ જ આવે છે). જ્યારે ધર્મીને તો ચૈતન્યચિંતામણિરૂપ નિજ સ્વરૂપસંપદા ભાસી છે. એ તો માને છે કે-‘હું દેવ છું.’ આવે છે ને કે-
આ સ્ત્રીનું (દેહનું) રમણ તને ન હોય ભગવાન! તું તો મોક્ષરૂપી લક્ષ્મીનો રમનાર દેવ છો, દેવનોય દેવ છો, દેવાધિદેવ છો.
અહાહા...! સબ દેવન કે દેવ-એવું અચિન્ત્ય તારું સ્વરૂપ છે ભગવાન! જુઓને, શું કહે છે? કે-‘ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે.’ એટલે કે તેના કાર્ય માટે પર કે નિમિત્ત સામે તાકવું પડે એમ નથી. સંવર ને નિર્જરાની પર્યાય પ્રગટ કરવામાં તેને પરની-નિમિત્તની સામું જોવાનું નથી, પરંતુ સ્વ સામું જોતાં જ સંવર- નિર્જરાના પરિણામ પ્રગટ થાય એવો ચૈતન્યચિંતામણી દેવ પોતે છે. હવે આવી વાત બિચારો ધંધો-રોજગાર ને બૈરાં-છોકરાં સાચવવામાંથી નવરો પડે તો સાંભળે ને? ભાઈ! બધા મજુર છે મજુર! આખો દિ’ પાપની મજુરી કરનારા મજુર છે! આ કરું ને તે કરું- એમ કર્તાપણાની હોળીથી બિચારા બળી રહ્યા છે!! હવે તેમાં ‘હું અચિન્ત્ય દેવ છું’-એ કયાંથી ભાસે? અરેરે! જેને પરમાં દિવ્યતા ભાસે છે તેને આત્મા જે પોતે દેવ છે તેની દિવ્યતા કયાંથી ભાસે? પણ ભાઈ! આ સમજણ ના કરી તો અવસર ચાલ્યો જશે હોં. (મતલબ કે ભવભ્રમણ ઊભું રહેશે).
હવે કહે છે-‘માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે.’
જોયું? જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ છે કેમકે તેને ચૈતન્યચિંતામણિ એવા આત્માની પ્રાપ્તિ થઈ છે. હવે તે પોતાનું વાંછિત (સંવર, નિર્જરા ને મોક્ષરૂપ) કાર્ય સિદ્ધ કરવા પોતે જ સમર્થ છે પછી તેને પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય હોય? કાંઈ જ સાધ્ય નથી. રાગ ને વિકલ્પથી તેને કાંઈ જ કામ નથી. આવું નિશ્ચયનયનું સ્વરૂપ છે. વ્યવહાર દર્શાવવામાં આવે ત્યારે તેને વ્રતાદિના વિકલ્પ હોય છે એનું જ્ઞાન કરવું પ્રયોજનવાન છે, પરંતુ તે વિકલ્પ સાધ્યની સિદ્ધિમાં બીલકુલ પ્રયોજનવાન નથી-આવી વાત છે.