સમયસાર ગાથા-૨૦૭ ] [ ૨૩૩
પ્રશ્નઃ– હા, પણ તે (હીરા-માણેક આદિ) કિંમતી છે ને? તે વડે લોકો સુખી જણાય છે ને?
ઉત્તરઃ– એ ધૂળની ભાઈ! (આત્મામાં) કાંઈ કિંમત (-પ્રતિષ્ઠા) નથી. જોતા નથી આ પૈસાદિના કારણે તો લોક એકબીજાને મારી નાખે છે? તો પછી તે વડે લોક સુખી કેમ હોય? તે સુખનું કારણ કેમ થાય? ભાઈ! એ ધૂળેય સુખનું કારણ નથી સાંભળને. આવું તો (હીરા-માણેક આદિનો સંયોગ તો) અનંત વાર થઈ ગયું છે પ્રભુ! પણ તેથી શું? તે કયાં તારી ચીજ છે? તને ખબર નથી બાપુ! પણ એવા (-સંયોગના) ખેલ તો તેં અનંતવાર ખેલ્યા છે. (પણ દુઃખ તો ઊભું જ છે, ભવભ્રમણ ઊભું જ છે).
અહીં કહે છે-નિયમથી એટલે નિશ્ચયથી સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ જાણે છે. અહા! હું તો જ્ઞાનાનંદસ્વભાવી છું -એમ જેને અંતરમાં તેની પકડ થઈ ગઈ છે તેને પોતાનો આત્મા જ પરિગ્રહ છે. જુઓ, ભરત ચક્રવર્તી છ ખંડના રાજા હતા. ૩૨ લાખ વિમાનનો સાહ્યબો એવો સ્વર્ગનો ઇન્દ્ર એનો મિત્ર (મિત્ર એટલે સાથે બેસનારો) હતો. છતાં એના અંતરમાં આ હતું કે- જ્ઞાનાનંદસ્વભાવી મારો આત્મા એ જ મારો પરિગ્રહ છે; આ ચક્રવર્તીનું રાજ્ય, કે આ મિત્ર કે આ જે રાગ છે તે મારી ચીજ નથી, તેનો હું સ્વામી નથી. આવી વાત છે!
ઋષભદેવ ભગવાન જ્યારે અષ્ટાપદ પર્વત ઉપરથી મોક્ષ પધાર્યા ત્યારે ભરત ચક્રવર્તી ત્યાં હાજર હતા. અહા! સમકિતી-જ્ઞાની હોવા છતાં તેમની આંખમાંથી આંસુ આવ્યાં અને બોલ્યા, -‘અહા! ભગવાન મોક્ષ પધાર્યા! અરે! ભરતમાં જ્ઞાનસૂર્યનો અસ્ત થઈ ગયો! હવે અમે કોને પૂછશું? કોને અમે સવાલ કરીશું?’ ત્યારે તે વખતે એક એક વિમાનમાં અસંખ્ય દેવ એવા બત્રીસ લાખ વિમાનોનો લાડો-સ્વામી ઇન્દ્ર સાથે હતો તે ભરતને કહે-‘અરે! આંખમાં આંસુ? તમે આ શું કરો છો, ભરત? તમારે તો આ ભવે મોક્ષ જવું છે. અમે તો હજુ એક ભવ કરીને મનુષ્ય થશું ત્યારે મોક્ષ જશું. તમારે તો આ છેલ્લો દેહ છે, છતાં આ શું? ત્યારે ભરત કહે-‘સાંભળ, ઇન્દ્ર! સાંભળ; ભગવાનના વિરહથી કંઈક રાગ થઈ આવ્યો છે કેમકે હજુ પૂરણતા થવી બાકી છે ને? પણ તે રાગની અમને પકડ નથી; તે જાણેલો પ્રયોજનવાન છે -એમ તેને જાણીએ છીએ બસ; રાગનું અમને સ્વામિત્વ નથી.’ જુઓ, બારમી ગાથામાં આવે છે ને કે-વ્યવહાર तदात्वे–તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે? તેમ જ્ઞાની તે કાળે જાણે છે કે આ વ્યવહાર-રાગ છે, બસ એટલું જ; તે મારો છે એમ નહિ. અહો! આચાર્ય ભગવાનની કોઈ અદ્ભુત શૈલી ને અદ્ભુત વાત છે!