૨૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પ્રશ્નઃ– હા, પણ ભગવાન (ઋષભદેવ) જે વખતે મોક્ષ પધાર્યા તે વખતે બીજા પણ કેવળજ્ઞાનીઓ તો હશે જ ને?
ઉત્તરઃ– હા, હતા ને; પણ તીર્થંકરની દિવ્યધ્વનિમાં-ૐધ્વનિમાં તો ત્રણકાળ- ત્રણલોકની વાત આવે છે. (આવી સાતિશય દિવ્યધ્વનિ હોય છે). આવે છે ને કે-
અહા! ભગવાનની-તીર્થંકરની દિવ્યધ્વનિ સાંભળીને ચાર જ્ઞાનના ધણી ગણધરદેવો બાર અંગ-ચૌદ પૂર્વની રચના ક્ષણમાં કરે છે. અહો! એ દિવ્યધ્વનિ અલૌકિક હોય છે!
તેમાં આ આવ્યું છે કે-ધર્મીને પોતાના આત્માનો જ પરિગ્રહ છે. અહા! વિકલ્પ ઊઠે છે છતાં તે મારો નથી-એમ જેને તેની પકડ નથી તે ધર્મી છે. ધર્મીને તો આનંદનો કંદ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ પોતાનો છે. અરે! પણ આવું એને કયાં બેસે છે? બેસે પણ કેવી રીતે? તેને તો સ્ત્રીમાં સુખ, ને પૈસામાં-ધૂળમાં સુખ ને ભક્તિમાં સુખ-એમ પરમાં જ સુખ ભાસ્યું છે. તેથી પોતાના આત્મામાં સુખ છે તે તેને ભાસતું નથી. ત્યારે જેને આત્મામાં સુખ છે એવો વિશ્વાસ થયો છે, જેને આત્માની પકડ થઈ છે તેવા ધર્મીને અન્ય પરિગ્રહના સેવનથી શું છે? કાંઈ જ સાધ્ય નથી; કેમકે અન્ય પરિગ્રહ એનું સાધ્ય જ નથી. વ્યવહાર ધર્મીનું સાધ્ય જ નથી. ભગવાન ચિદાનંદ પરમાત્મસ્વરૂપે અંદર ત્રિકાળ પડયો છે તેને પકડવો બસ તે એક જ ધર્મીનું સાધ્ય છે.
કહે છે કે-‘સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું સ્વ નથી, હું આનો સ્વામી નથી” એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી.’
અહા! રાગ ને રાગનાં ફળ એવો બાહ્ય વૈભવ-ધૂળ આદિ મારો છે એમ જ્ઞાની માનતો નથી. અહા! જુઓ તો ખરા! આ રાગાદિ પરદ્રવ્ય મારું સ્વ નથી અને હું એનો સ્વામી નથી એમ ધર્મી જાણે છે અને તેથી તે પરદ્રવ્યને-રાગાદિને ગ્રહતો-પરિગ્રહતો નથી. આ પત્નીનો હું પતિ ને આ દીકરાનો હું બાપ છું એમ ધર્મી માનતો નથી. અરે! દીકરો જ જ્યાં મારો નથી ત્યાં હું એનો બાપ કેમ હોઉં? દીકરો તો દીકરાનો છે. તેનો આત્માય પર છે ને શરીરેય પર છે અહો! નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા જેને પકડમાં આવી ગયો છે તે ધર્મી રાગને કે રાગના ફળને પોતાનાં માનીને તેનો સ્વામી થતો નથી.
પ્રશ્નઃ– તો આ મકાનનો કોણ સ્વામી છે? સમાધાનઃ– એ તો અજ્ઞાની એમ માને છે કે-હું (-પોતે) એનો સ્વામી છું.