૨૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ પોતાનો પરિગ્રહ કરતો નથી. એટલે શું? એટલે કે તે જે રાગ આવે છે તેને જ્ઞાતાદ્રષ્ટાપણે-સાક્ષીભાવે માત્ર જાણે જ છે. તે મારો છે એમ નહિ પણ તે પર છે એમ સાક્ષીભાવે માત્ર જાણે છે. આ પ્રમાણે જ્ઞાનીને અશુદ્ધતા ને કર્મની નિર્જરા અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. (કેમકે રાગના અભાવમાં જ્ઞાનીને નવીન બંધ થતો નથી.)
‘લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.’
અહાહા...! જેને દ્રવ્યસ્વભાવનું ભાન થયું અર્થાત્ પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પ્રભુ આત્માનો અંતરમાં સ્વીકાર, સત્કાર ને આદર થયો તે સમ્યગ્દ્રષ્ટિ જીવ પરમાર્થ જ્ઞાની છે. બહારનું ઘણું બધું જાણપણું હોય તે પરમાર્થજ્ઞાની છે એમ નહિ, પણ પરમ પદાર્થ જે ભગવાન આત્મા તેનું જેને અંતરમાં જ્ઞાન થયું છે તે પરમાર્થજ્ઞાની છે. અહીં કહે છે- આવો પરમાર્થજ્ઞાની જીવ પોતાના સ્વભાવનેજ પોતાનું ધન જાણે છે. અહાહા...! આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવની લક્ષ્મીથી ભરેલો ભંડાર છે. જ્ઞાની તે એક સ્વભાવને જ પોતાની સંપદા માને છે; પરંતુ પરના ભાવને પોતાનો જાણતો નથી. જોયું? આ બહારનાં ધન-લક્ષ્મી, શરીર, મન, વાણી ઈત્યાદિ પરના ભાવને તે પોતાના જાણતો નથી. વળી અંદરમાં જે પુણ્ય-પાપના ભાવ થાય તે પણ પરભાવ છે. ધર્મી તે પરભાવોને પોતાના માનતો નથી.
શું કહ્યું? કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઈત્યાદિ જે પુણ્યના ભાવ અને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઈત્યાદિ જે પાપના ભાવ તેને જ્ઞાની પોતાના જાણતો નથી કેમકે તે બધા પરભાવ છે. હવે આમ છે તો પછી આ પૈસા-બૈસા તો કયાંય વેગળા રહી ગયા! સમજાણું કાંઈ...! ભાઈ! એ ધૂળ તો બધી ધૂળમાં પુદ્ગલમાં રહી ગઈ. અહીં તો પોતાની એક સમયની પર્યાયમાં જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવ થાય છે તે પણ અવસ્તુ એટલે પરવસ્તુ છે એમ જ્ઞાની જાણે છે.
સૂક્ષ્મ વાત છે પ્રભુ! કહે છે-પરમાર્થજ્ઞાની ધર્મી જીવ પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. જુઓ, શુભાશુભ ભાવ જ્ઞાનીને થાય તો છે, દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિનો રાગ તેને આવે તો છે, પણ તેને તે ગ્રહણ કરતો નથી. એટલે શું? એટલે કે તેની સાથે તે એકત્વ કરતો નથી પરંતુ ભેદજ્ઞાનના બળ