૨૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ એમ સુલટી જા. બાકી વસ્તુ તો વસ્તુમાં પડી છે, વસ્તુ વસ્તુના કારણે આવી છે, તેના પોતાના કારણે રહી છે અને પોતાના કારણે જાય છે. અહીં તો આ કહે છે કે-લક્ષ્મી મારી છે અને હું તેને દાનમાં આપું છું એમ જો હું માનું તો હું અજીવ થઈ જાઉં, કેમકે લક્ષ્મી અજીવ છે અને અજીવનો જે સ્વામી થાય તે અજીવ જ હોય. આવી વાત છે!
ત્યારે દેખવામાં તો એમ આવે છે કે હું દાન આપું છું? શું દેખવામાં આવે છે? એ તો (સંયોગને દેખતો અજ્ઞાની) એમ માને છે કે હું દાન આપું છું. ખરેખર તો લક્ષ્મી જાય છે તે તેની (પરમાણુઓની) ક્રિયાવતી શક્તિના કારણે જાય છે, લક્ષ્મીનું સ્થાનાંતર થવું તે તેના પરમાણુઓની ક્રિયાવતી શક્તિનું કાર્ય છે. છતાં કોઈ એમ કહે કે-લક્ષ્મી મારી છે અને હું તેને દાનમાં આપું છું તો તે અજ્ઞાની છે, દીર્ઘસંસારી છે.
અહીં તો આ કહ્યું છે કે-મારો તો એક જ્ઞાયકભાવ જ છે જે સ્વ છે. અહાહાહા...! ભાષા તો જુઓ! ‘જ’ નાખ્યો છે.
હા, પણ આ શું એકાન્ત નથી? રાગ પણ મારો છે એમ લો તો? મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ લીધું છે કે-દાનમાં જે રાગ થાય છે તે તો પોતાનો છે, દેવા-લેવાની ક્રિયા પોતાની નથી.
ભાઈ! એ તો પર્યાય-અપેક્ષાથી કહ્યું છે. રાગ પોતાની પર્યાયમાં થયો છે એ અપેક્ષાએ કહ્યું છે. રાગ મારી પર્યાયમાં છે એમ જણાવવા અર્થે કહ્યું છે. અહા! પૈસા, લક્ષ્મી, આહાર ને પાણી લેવા-દેવાની ક્રિયા મારી નથી પણ તેમાં જે ભાવ છે તે મારો છે એમ જાણવું પણ શ્રદ્ધાન તો એવું કરવું કે તે ધર્મ-મોક્ષમાર્ગ નથી. ત્યાં પણ આ જ કહ્યું છે.
રાગભાવ મારો છે તેમ મમત્વ પણ કરવું-એમ ત્યાં લખ્યું છે ને? હા, તેનો અર્થ એ છે કે-મારી પર્યાય મારાથી થઈ છે એમ જાણવું, પણ સ્વભાવની દ્રષ્ટિમાં તે (-રાગ) મારો છે જ નહિ એમ યથાર્થ માનવું. કહ્યું ને અહીં કે- મારો એક જ્ઞાયકભાવ જ મારું સ્વ છે; આ રાગાદિ સર્વ ભાવો પર છે, અજીવ છે, મારા નથી. ભાઈ! આ તો એક કોર રામ (આત્મા) ને એક કોર ગામ (આખું જગત) એવી વાત છે. રામ તે સ્વ છે અને ગામ બધું પર છે. આવો મારગ બાપા! અત્યારે કયાંય સાંભળવા મળે નહિ. અહા! સુખનો પંથ પરમાત્માનો નિરાળો છે ભાઈ!
અહીં કહે છે-રાગ મારો છે એવી જો રાગમાં આત્મબુદ્ધિ થઈ જાય, સુખબુદ્ધિ થઈ જાય તો રાગ મારું સ્વ થઈ જાય અને તેનો હું સ્વામી થઈ જાઉં; અને તો હું લાચારીથી પણ અજીવ થઈ જાઉં. પણ અહા! મારો તો એક જ્ઞાયકભાવ જ છે. જુઓ,