સમયસાર ગાથા-૨૦૮ ] [ ૨૪પ આ અસ્તિ-નાસ્તિ કરી! એક જ્ઞાયકભાવ જ મારું સ્વ ને તેનો હું સ્વામી છું પણ રાગાદિ અજીવ મારું સ્વ નહિ અને તેનો હું સ્વામી પણ નહિ.
પ્રશ્નઃ– કયારેક તો કોઈ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પામશે; કેમકે વ્યવહાર કરવાથી પુણ્ય થશે ને તેથી સ્વર્ગમાં જશે; ને ત્યાંથી શ્રી સીમંધર ભગવાન બિરાજે છે ત્યાં જશે ને ત્યાં સમકિત પામશે.
સમાધાનઃ– અરે ભાઈ! સમોસરણમાં તો તું અનંતવાર ગયો છો. મહાવિદેહ ક્ષેત્રમાં પણ તું અનંતવાર જન્મ્યો છો. અહા! ૪પ લાખ યોજનમાં એક કણ પણ એવો ખાલી નથી જ્યાં અનંતવાર જન્મ-મરણ ન કર્યાં હોય. ૪પ લાખ જોજનમાં જ મનુષ્યક્ષેત્ર છે. તેનો એક કણ પણ એવો નથી જ્યાં અનંતવાર જન્મ-મરણ ન કર્યાં હોય. સમુદ્રમાં મનુષ્ય તો નથી, છતાં અનંતવાર ત્યાં જન્મ-મરણ કર્યાં છે. કોઈ ગર્ભવતી સ્ત્રી હોય ને સમુદ્રમાં પડી જાય અને ત્યાં પણ પ્રસવ-જન્મ થઈ જાય. અહા! આવા ભવ પણ મનુષ્યપણે અનંત કર્યા છે.
સમુદ્રના કણે-કણ ઉપરથી અનંતા સિદ્ધો પણ થયા છે. કોઈ દેવ જ્ઞાની આત્મધ્યાની મુનિરાજને ઉપાડી જાય અને પછી ત્યાં સમુદ્રમાં ફેંકી દે. પણ મુનિરાજ તો ત્યાં કેવળજ્ઞાન ઉપજાવીને મોક્ષ ચાલ્યા જાય. અહા! ૪પ લાખ યોજનમાંથી કોઈ કણ ખાલી નથી કે જ્યાં તેની ઉપર અનંતા સિદ્ધ ન હોય. લવણ સમુદ્ર કે જે બે લાખ યોજનનો છે તેની ઉપર પણ અનંત સિદ્ધો છે. તે સિદ્ધો કયાંથી આવ્યા? અહીંથી (જમીન ઉપરથી) મોક્ષ પામીને ત્યાં (સમુદ્રની ઉપર) જાય એમ તો થતું નથી કેમકે સિદ્ધ તો સીધા સમશ્રેણીએ જાય છે. તો લવણ સમુદ્ર ઉપર સિદ્ધ કયાંથી આવ્યા? ભાઈ! લવણ સમુદ્રમાં કોઈએ મુનિને નાખ્યા, પણ તેઓ તો અંદર ધ્યાનમગ્ન રહ્યા અને દેહ છૂટી ગયો ત્યારે કેવળજ્ઞાન ઉપજાવીને સમશ્રેણીએ સીધા મોક્ષ પધાર્યા. આ પ્રમાણે લવણ સમુદ્ર ઉપરથી પણ અનંત સિદ્ધો થયા છે. ભાઈ! વીતરાગનો મારગ અપાર અને ગંભીર છે. અજ્ઞાની અનાદિ... અનાદિ... અનાદિનો રઝળે-રખડે છે. શું તેની કોઈ શરૂઆત છે? અહા! અનાદિ... અનાદિ... અનાદિથી રઝળતાં-રઝળતાં દરેક સ્થાનમાં, દરેક સમયમાં અનંત અનંતવાર તે જન્મ્યો ને મર્યો છે! શું કહીએ? અનંતવાર તે સમોસરણમાં પણ ગયો છે. પણ એથી શું? (રાગ કરતાં કરતાં ધર્મ થાય એવું શલ્ય એને છૂટયું નહિ તો શું લાભ?).
અહીં કહે છે-જો હું રાગાદિ પરને મારા માનું તો હું જરૂર લાચારીથી પણ અજીવ થઈ જાઉં. પણ હું અજીવ નથી, હું તો એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું, ને જ્ઞાયકસ્વભાવી આત્મા જ રહીશ. એ જ હવે કહે છે-
‘માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.’