Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2165 of 4199

 

૨પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જે અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ શુભોપયોગરૂપ પરિણામ થાય છે તે પણ જડ છે, તે હું આત્મા નથી, તે મારી ચીજ નથી. અહા! આવું માનનારને મિથ્યાત્વનો નાશ થાય છે.

પ્રશ્નઃ– પણ આ બધું સાંભળીને અમારે કરવું શું? સમાધાનઃ– ભાઈ! આ કરવું કે-હું શરીર ને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય- સ્વભાવમય આત્મદ્રવ્ય છું એમ સ્વીકારી તેનું લક્ષ કરીને પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું કેમકે સમ્યગ્દર્શન વિના કયારેય સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર હોતાં નથી. અહાહા...! શુદ્ધ ચિદાનંદમય સ્વદ્રવ્ય જ મારું છે અને આ શરીરાદિ અને રાગાદિ મારાં નથી-આમ શ્રદ્ધા- જ્ઞાન કરવાં. હવે જ્યાં રાગ ને શરીર ભિન્ન છે ત્યાં કુટુંબ-કબીલા ને લક્ષ્મી આદિ તો કયાંય દૂર રહી ગયાં. તોપણ આ પુત્ર મારો, ને સ્ત્રી મારી ને લક્ષ્મી મારી એમ જે માને છે એ તો સ્થૂળ મિથ્યાદ્રષ્ટિ છે.

તો જે (પુત્ર, લક્ષ્મી આદિ) હોય તેનું શું કરવું? સમાધાનઃ– ભાઈ! તેઓ તારામાં છે જ કયાં? તેઓ તો તેમનામાં-પોત-પોતામાં છે. પૈસા પૈસામાં છે, સ્ત્રી સ્ત્રીમાં છે, પુત્ર પુત્રમાં છે. એ બધાં હોતાં તારામાં શું આવ્યું છે? તારું શું છે? કાંઈ જ નહિ. ભાઈ? આ વાત વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર શ્રી સીમંધરસ્વામી ભગવાન કે જેઓ મહાવિદેહમાં બિરાજે છે ત્યાંથી આવી છે. દિગંબર સંત શ્રી કુંદકુંદાચાર્ય સંવત્ ૪૯ માં ત્યાં ભગવાન પાસે ગયા હતા, આઠ દિ’ ત્યાં રહ્યા હતા, પરમાત્માની વાણી સાક્ષાત્ સાંભળી હતી અને ત્યાંથી ભરતમાં આવીને આ શાસ્ત્ર રચ્યું છે. એમાં આ કહે છે કે-ભાઈ! તારું તો એક જ્ઞાયકસ્વભાવી સ્વદ્રવ્ય જ છે, એ સિવાય રાગાદિ ને શરીરાદિ તારી કોઈ ચીજ નથી. સમજાણું કાંઈ...?

જુઓ, નવ તત્ત્વ છે કે નહિ? (છે ને). તો અજીવ તત્ત્વ એ પોતાનું (-જીવનું) કયાંથી આવ્યું? વળી અંદર જે પુણ્ય-પાપના ભાવ છે તે આસ્રવ તત્ત્વ છે. તો તે આસ્રવ તત્ત્વ પોતાનું (-જીવનું) કયાંથી થઈ ગયું? જો તે પોતાનું (-જીવનું) થાય (હોય) તો જીવ, અજીવ ને આસ્રવ તત્ત્વ ભિન્ન-ભિન્ન કયાં રહ્યાં? અહા! આવું અત્યારે સમજવું લોકોને કઠણ પડે છે કેમકે બિચારાઓએ કદી સાંભળ્‌યું નથી. બસ વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, ધર્મ થઈ જશે આવું બધું સાંભળવા મળ્‌યું છે. પણ બહુ ફેર છે ભાઈ! ભગવાન આત્મા અંદર સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે. અહાહા...! સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવો અનંત ગુણનું ધામ-અનંત ગુણનું ગોદામ-પ્રભુ આત્મા છે. ધર્મીની દ્રષ્ટિ આવા આત્મસ્વરૂપ પ્રતિ ઝુકેલી છે. તે કહે છે- પરદ્રવ્ય છેદાઓ તો છેદાઓ, મને કાંઈ નથી. આવી વાત છે!