સમયસાર ગાથા-૨૧૧ ] [ ૨૮૧ શરીરાશ્રિત ક્રિયાઓનો હું કર્તા છું એવો અજ્ઞાનમાં ભાસ થયો છે, તે મિથ્યાભાવ છે. સમજાણું કાંઈ...?
અહા! પ્રભુ! તું કોણ છો? તું અંદર અમૃતનો-જ્ઞાનાનંદનો સાગર છો ને પ્રભુ! તારા અસ્તિત્વમાં તો એકલાં જ્ઞાન ને આનંદ પડયાં છે ને નાથ! અરે ભાઈ! તારા અસ્તિત્વમાં જ્યાં રાગેય નથી ત્યાં આ શરીર ને સ્પર્શન મારાં છે એમ કયાંથી આવ્યું? જ્ઞાની ધર્માત્મા તો આ સ્પર્શન ઇન્દ્રિય અને એની જે ક્રિયા થાય છે તે મારી છે એમ કદીય માનતો નથી અને તેથી તેને સ્પર્શનનો પરિગ્રહ નથી. આવી વાત છે.
એમ રાગ આદિ સોળ શબ્દો મૂકી સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. અહા! અસંખ્ય પ્રકારના જે શુભાશુભભાવ છે તે હું નથી અને તેઓ મારા નથી, હું તો એક શુદ્ધ ચિન્માત્ર ચૈતન્યઘન પ્રભુ આત્મા છું-એમ ભેદજ્ઞાન કરીને ધર્માત્મા જીવે અસંખ્ય પ્રકારના જે અન્ય ભાવો છે તેઓને પોતાનાથી ભિન્ન જાણવા-એમ કહે છે.