अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि।। २१२।।
अपरिग्रहस्त्वशनस्य ज्ञायकस्तेन स भवति।। २१२।।
તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨.
[च] અને [ज्ञानी] જ્ઞાની [अशनम्] અશનને (ભોજનને) [न इच्छति] ઇચ્છતો નથી, [तेन] તેથી [सः] તે [अशनस्य] અશનનો [अपरिग्रहः तु] પરિગ્રહી નથી, [ज्ञायकः] (અશનનો) જ્ઞાયક જ [भवति] છે.
ટીકાઃ– ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થઃ– જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન થાય છે કે-આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે? તેનું સમાધાનઃ– અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઊપજે છે, વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી અને ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા જ્ઞાનીને નથી અર્થાત્ તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો. માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે. આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.