Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2197 of 4199

 

૨૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

જુઓ, જ્ઞાની આહાર લેવા જાય છે છતાં, અહીં કહે છે, તેને આહારની ઇચ્છા નથી. કેમ? કેમકે તેને ઇચ્છાની રુચિ નથી. રુચિ તો સમકિતીને ભગવાન આનંદની છે. અહા! ધર્મી સમ્યગ્દ્રષ્ટિને તો પોતાના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવાની ભાવના હોય છે. તેને અશનની-આહારની ભાવના નથી માટે તેને અશનનો પરિગ્રહ નથી. આવી વાત છે. એ તો જે આહારનો ભાવ થાય તેનો માત્ર જ્ઞાતા જ છે. એ જ કહે છે-

‘જ્ઞાનમય એવા જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે.’

અહાહા...! જ્ઞાનીને જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવનો સદ્ભાવ છે. એટલે શું? એટલે કે હું શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ જ્ઞાયકસ્વભાવી આત્મા છું, રાગમય કે ઉદયભાવમય હું નહિ-આવું જેને અંતરમાં નિજ જ્ઞાયકસ્વભાવના આશ્રયે ભાન થયું છે તેને એક જ્ઞાયકભાવનો સદ્ભાવ છે; અને તે કારણે તે અશનનો કેવળ જ્ઞાયક જ છે, જ્ઞાતા જ છે. અહાહા...! જ્ઞાનીને આહાર હોય છે તોપણ તે એનો જાણનારો જ રહે છે. આવી વાત!

* ગાથા ૨૧૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી.

અહીં પ્રશ્ન થાય છે કે-આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે?’ એમ કે ગૃહસ્થાશ્રમમાં રહેલા સમકિતી-જ્ઞાની છે તે તો આહાર કરે છે, પરંતુ અરે! જેમણે ગૃહસ્થાશ્રમ છોડી દીધો છે અને તે તરફનો રાગ પણ જેમને નથી તેવા મુનિ પણ આહાર તો કરે છે. આપ કહો છો તેમને આહારની ઇચ્છા નથી; તો ઇચ્છા વિના તેઓ આહાર કેમ કરે? અર્થાત્ ઇચ્છા વિના આહાર કેમ સંભવે?

તેનું સમાધાનઃ– ‘અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉપજે છે.’ એટલે શું? કે જે જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે તેમાં અશાતાવેદનીય કર્મનો ઉદય નિમિત્ત છે. જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉત્પન્ન તો પોતાથી થાય છે, જઠરાગ્નિના પરમાણુઓ પોતે જ પરિણમીને ક્ષુધારૂપે ઊપજે છે અને ત્યારે તેમાં અશાતાવેદનીય કર્મનું નિમિત્તપણું છે. બસ આટલી વાત છે. નિમિત્ત કાંઈ જઠરાગ્નિરૂપ ક્ષુધાનો કર્તા છે એમ નથી, પણ નિમિત્ત છે તો કહ્યું કે-અશાતાવેદનીયના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉપજે છે. આ નિમિત્તનું કથન છે. ભાઈ! પોતાનું સત્ત્વ - અસત્ત્વ શું છે એનું ભેદજ્ઞાન કરવાની વાત છે.