સમયસાર ગાથા-૨૧૨ ] [ ૨૮પ
જુઓને! કુતરીને બહુ ભૂખ લાગી હોય તો પોતાના બચ્ચાને ખાઈ જાય છે. એવું જ સર્પિણીમાં છે. સાપણ સેંકડો બચ્ચાંને જન્મ આપે છે અને તેમના ફરતે ગોળાકારે વીંટળાઈને તેમને એક એક કરીને ખાઈ જાય છે. તેમાં જો કોઈ તરત જ બહાર નીકળી જાય તો તે બચી જાય છે. એવું જ ઉત્સર્પિણી-અવસર્પિણી કાળનું છે. અહા! કાળચક્રના પંજામાં પડેલાં પ્રાણીઓ અનાદિથી ભેદજ્ઞાનના અભાવે નિરંતર જન્મ-મરણ ત્યાં ને ત્યાં ચારગતિમાં કર્યા જ કરે છે. તેમાંથી કોઈ ભાગ્યવાન જીવ ભેદજ્ઞાન કરીને આત્મજ્ઞાની થાય છે તે કાળચક્રની બહાર નીકળી જઈને સિદ્ધદશાને પામે છે. બાકી તો એમાં ને એમાં જ જન્મ-મરણ કરતા રહી જાય છે. ભાઈ! અહીં તને જન્મ-મરણથી ઉગરવાનો પંથ આચાર્યદેવ બતાવે છે.
કહે છે-જ્યારે જઠરાગ્નિના પરમાણુ ક્ષુધાપણે ઉપજે છે ત્યારે તેમાં અશાતાવેદનીય કર્મ નિમિત્ત છે. જુઓ, ક્ષુધાના જે પરમાણુ છે તે ભિન્ન ચીજ છે ને એમાં નિમિત્ત એવું અશાતાવેદનીય કર્મ પણ ભિન્ન ચીજ છે, પણ નિમિત્ત છે એવું જ્ઞાન કરાવવા ટૂંકામાં કહ્યું કે-અશાતાવેદનીયના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉપજે છે. આવી વાત! (ભાઈ! નિમિત્ત છે એમ જાણવું પણ તે કર્તા છે એમ ન માનવું.)
હવે બીજી વાતઃ- ‘વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી.’ અર્થાત્ પોતાની યોગ્યતામાં જ્યાં સહન કરવાની શક્તિ નથી ત્યાં વીર્યાંતરાયના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. જ્યારે ક્ષુધાની પીડા સહી શકાતી નથી ત્યારે એમાં વીર્યાંતરાયનો ઉદય નિમિત્ત છે બસ. બે બોલ થયા.
જ્ઞાનીને ઇચ્છાની ઇચ્છા નથી. છતાં આહારની ઇચ્છા ઉત્પન્ન કેમ થાય છે એની વાત ચાલે છે. તો કહ્યું કે-
૧. અશાતાવેદનીયના નિમિત્તે જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે. અને ૨. વીર્યાંતરાયના નિમિત્તે એટલે કે પોતાની કમજોરીથી તેની વેદના સહન થતી નથી. આ બે વાત થઈ.
હવે ત્રીજી વાતઃ- ‘ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે.’
પ્રશ્નઃ– પણ ચારિત્રમોહ તો પર-જડ છે? (એનાથી ઇચ્છા કેમ થાય?) સમાધાનઃ– ભાઈ! આહારગ્રહણની ઇચ્છા તો પોતાથી થાય છે અને ત્યારે એમાં ચારિત્રમોહનો ઉદય નિમિત્ત છે. નિમિત્ત છે એવું જ્ઞાન કરાવવા કહ્યું કે ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. ભાઈ! ધર્મની આવી (ગૂઢ) વાતો છે! આવે છે ને કે-