૨૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ કરીને પાછાં આવ્યાં. પછી તે ભાઈ કહે કે અત્યારે રોટલા બનાવો. તો બધાં સગાં વહાલાં ભેગાં થઈને કહેવા લાગ્યાં કે-હા, એ તો ઠીક છે, પણ ભાઈ! તમને રોટલા પચતા નથી ને તમે તે ખાશો તો તમોને તે અનુકૂળ નહિ પડે, કેમકે રોટલા તમારો ખોરાક નથી. પછી તો સગાં-વહાલાંએ ભેગા થઈને તેમના માટે ચૂરમું બનાવ્યું. ૨૦ વર્ષના દીકરાને બાળીને આવ્યા ને ચૂરમું બનાવ્યું !! ચૂરમું થાળીમાં નાખ્યું ને તે ભાઈની આંખમાંથી આંસુની ધારા ચાલી. અહા! શું તેને તે વખતે ચૂરમામાં પ્રેમ છે? જરાય નહિ. તેમ જ્ઞાનીને રાગમાં કિંચિત્ પ્રેમ નથી. તેને રાગ છે પણ રાગમાં અનુરાગ નથી.
બીજું દ્રષ્ટાંતઃ એક ભાઈને અફીણનું ભારે બંધાણ; અફીણ વિના ચાલે જ નહિ. એવામાં એમનો એકનો એક દીકરો મરી ગયો. તેને દાહ દઈને બધા પાછા આવ્યા. હવે અફીણનું ટાણું થયું. તેમને અફીણની ડાબલી આપી. અફીણ હાથમાં રાખ્યું ત્યાં વિચાર આવ્યો કે-અરે! દીકરા વિના ચાલશે તો શું મને અફીણ વિના નહિ ચાલે? આમ વિચારીને અફીણ ફેંકી દીધું, બંધાણ છોડી દીધું. તેમ જ્ઞાની વિચારે છે કે-અહા! મારું સત્ત્વ તો એક જ્ઞાન ને આનંદ છે. અહા! હું તો જ્ઞાન ને આનંદનું પરમ નિધાન છું. મારી ચીજમાં રાગ નથી. અહા! અનંતકાળમાં હું રાગ વિના જ એક જ્ઞાયકપણે રહ્યો છું. તો મને રાગથી શું છે? અહા! આમ વિચારી જે રાગ આવે છે તેનો જ્ઞાની માત્ર જ્ઞાતા જ રહે છે; અને જ્ઞાતા રહેતો થકો જે રાગ આવે છે તેને છોડી દે છે. આવી વાત છે!
અહા! સમકિતીને અંતરમાં ગજબનો વૈરાગ્ય હોય છે. સમકિતી ચક્રવર્તી હોય છે ને? તેને ૯૬ હજાર સ્ત્રીઓ હોય છે. ૩૨ કવળનો તેને આહાર હોય છે. અહા! એક કવળ પણ ૯૬ કરોડનું પાયદળ પચાવી ન શકે તેવા ૩૨ કવળનો તેનો આહાર! હીરાની ભસ્મમાંથી તેનો આહાર બને છે. છતાં પણ સમકિતી છે ને? તેને ઇચ્છાની ઇચ્છા નથી; અર્થાત્ ઇચ્છાને તે પોતાની ચીજ માનતા નથી. અહા! આનંદનો-નિરાકુળ આનંદનો અનુભવ એ જ જેનું ભોજન છે તેને (બીજા) અશનની કે પાનની ઇચ્છા નથી. ભારે વાત ભાઈ! અહા! ધર્મ ચીજ બહુ દુર્ગમ અને દુર્લભ છે; પણ તેના ફળ કોઈ અલૌકિક છે. (પરમપદની પ્રાપ્તિ એ એનું ફળ છે).
હવે ટીકા-શું કહે છે? કે-‘ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે.’ જુઓ, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, વીતરાગતામય જ ભાવ હોય છે પણ રાગમય ભાવ હોતો નથી એમ અહીં કહે છે. અહા! જ્ઞાનમય ભાવના કારણે ઇચ્છાના કાળે પણ જ્ઞાનીને ઇચ્છાનું જ્ઞાન સહજ પોતાથી થાય છે.