સમયસાર ગાથા-૨૧૩ ] [ ૨૯૧
પ્રશ્નઃ– જ્ઞાની હોય તેને મોક્ષ અવશ્ય થાય છે. તો શું જ્ઞાનીને રાગ પણ હોય છે અને મોક્ષ પણ થાય છે-એ બરાબર છે?
સમાધાનઃ– અરે ભાઈ! તું શું કહે છે આ? જ્ઞાનીને રાગ થાય છે પણ શું તે રાગને કરે છે? શું તેને રાગની ઇચ્છા છે? અને શું તેનાથી (રાગથી) તેને મુક્તિ થાય છે? બાપુ! મુક્તિ તો રાગથી ભિન્ન પડવાની (ભેદજ્ઞાનની) ક્રિયાથી થાય છે અને રાગથી જ્યારે પૂરણ ભિન્ન પડી જાય અર્થાત્ પૂરણ વીતરાગ થઇ જાય ત્યાર પછી તેને મુક્તિ થાય છે. ભાઈ! જેમ કોઈને એકનો એક દીકરો મરી જાય ને ઘરમાં ૨૦ વર્ષની સ્ત્રી વિધવા થઈ હોય ત્યારે ઘરમાં જે માલ-સામાન પડયો હોય તે એને કેવો લાગે? શું તેમાં એને રસ પડે? અહા! એવો ઉદાસી-વૈરાગ્યવંત જ્ઞાની હોય છે. દ્રષ્ટાંતમાં તો જે વૈરાગ્ય છે તે મોહગર્ભિત છે, જ્યારે જ્ઞાનીને તો સહજ સ્વભાવજનિત વૈરાગ્ય હોય છે. અહા! હું તો જ્ઞાન ને આનંદનો પૂરણ ભંડાર છું; મારા આનંદનું પરચીજ કારણ થાય એવી કોઈ ચીજ જગતમાં છે નહિ. આમ તેને ભેદજ્ઞાન પ્રાપ્ત સહજ સ્વાનુભવજન્ય વૈરાગ્ય હોય છે. માટે તેને રાગ હોય છે તોપણ રાગનો પરિગ્રહ નથી. એ જ કહે છે કે-
‘તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઇચ્છતો નથી. માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) પાનનો કેવળ જ્ઞાયક જ છે.’
જુઓ, રાગથી જે ભિન્ન પડયો છે ને જેને અંતરમાં સ્વાનુભવજનિત આનંદ ઝરે છે તેવા ધર્મીને પાણીની ઇચ્છા હોય છે તોપણ તે ઇચ્છાની ઇચ્છા નથી માટે તેને પાનનો પરિગ્રહ નથી. પાન-ગ્રહણનો જે ભાવ થાય તેનો તે માત્ર જ્ઞાતા જ છે. જ્ઞાનીને પાન ગ્રહણનો ભાવ હોય છે તોપણ તે એક જ્ઞાયકભાવના સદ્ભાવને કારણે તેનો જ્ઞાતા જ છે. આવી વાત છે.
‘આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું.’ જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો) પણ પરિગ્રહ નથી. જ્ઞાની પાણી પીએ છે તોપણ તેને એની ઇચ્છા નથી, કેમકે પાણી પીવાની જે ઇચ્છા થાય છે તે ઇચ્છાની ઇચ્છા નથી અર્થાત્ આ પાણી પીવાની ઇચ્છા સદાય રહો એવી તેને ઇચ્છાના અનુરાગપૂર્વક ભાવના નથી. જ્ઞાની તો તેને રોગ સમાન જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે.
અશાતાવેદનીયના ઉદયના નિમિત્તે તેને તૃષા ઉત્પન્ન થાય છે. વીર્યાંતરાય કર્મના