Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2217 of 4199

 

૩૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ નહિ. એ તો રાગને રોગ જ માને છે અને એનાથી સર્વથા છૂટી જવા જ ઇચ્છે છે. આવી વાત છે.

* કળશ ૧૪૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે.’

જોયું? આ પૈસા આદિ જે ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તે પૂર્વનાં કર્મને લઈને થાય છે, તે પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે એમ નથી. કહ્યું ને કે-‘પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય...’ ભાઈ! આ સ્ત્રી-પુત્ર-પરિવાર, બાગ- બંગલા, મહેલ ને ધનસંપત્તિ ઇત્યાદિ જે પ્રાપ્ત થાય તે પૂર્વ કર્મના ઉદયના અનુસારે છે. હવે તે ઉપભોગસામગ્રીમાં જો રાગની મીઠાશ હોય તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે એમ કહે છે. અહા! સામગ્રીને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે છે. હવે કહે છે-

‘પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી.’

જુઓ, આ કર્મની નિર્જરા કોને થાય એની વાત ચાલે છે. નિર્જરા અધિકાર છે ને? કહે છે-જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી; રાગ ભલો છે એવી રાગની મીઠાશ જ્ઞાનીને નથી. એ તો જાણે છે કે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તે ઉદયમાં આવીને છૂટી ગયું. અહાહા...! જેને પૂર્ણાનંદનો નાથ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો છે તેને કર્મના નિમિત્તે સામગ્રી મળે છે અને રાગ પણ જરી થાય છે, છતાં રાગની ઇચ્છાનો અભાવ હોવાથી તે રાગ છૂટી જાય છે, નિર્જરી જાય છે. આમ જ્ઞાનીને નિર્જરા થાય છે.

‘पुण्णफला अरहंता’–એમ આવે છે ને પ્રવચનસારમાં? (ગાથા ૪પ) ભાઈ! અરિહંત ભગવાનને પુણ્યના ફળ તરીકે અતિશય વગેરે હોય છે પણ ભગવાનને તે ઉદયની ક્રિયા ક્ષણે-ક્ષણે ખરી જાય છે માટે તે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહી છે. જુઓ, આ અપેક્ષાએ વાત છે ત્યાં. તેમ અહીં કહે છે-સાધકપણામાં જે જીવ સ્વભાવસન્મુખ થયો છે તેને, હજી રાગાદિ પણ હોય છે પણ તે ક્રિયા તેને ખરી જાય છે, નિર્જરી જાય છે માટે જ્ઞાનીને-સાધકને નિર્જરા છે. ભગવાન કેવળીને વાણી, ગમન ઇત્યાદિ માત્ર જડની ક્રિયાઓનો જ ઉદય છે, જ્યારે સાધકને તો રાગાદિ છે, છતાં તે રાગાદિ તેને ખરી જાય છે માટે તેને નિર્જરા કહેવામાં આવે છે.

પ્રશ્નઃ– ‘पुण्णफला अरहंता’–ભગવાનને પુણ્યના ફળપણે અરિહંતપણું પ્રાપ્ત થયું છે ને?