Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2218 of 4199

 

સમયસાર ગાથા-૨૧૪ ] [ ૩૦પ

ઉત્તરઃ– એવું કયાં છે ભાઈ! એમાં? પુણ્યનું ફળ તો તીર્થંકરોને (અરહંતોને) અકિંચિત્કર છે-એવું તો ગાથાનું મથાળું છે. ત્યાં તો એમ કહે છે કે-તીર્થંકરને પૂર્વનાં પુણ્યને લઈને સમોસરણની રચના, વાણી, વિહાર આદિ ક્રિયાઓ હોય છે. તે ઉદયની ક્રિયા ક્ષણેક્ષણે નાશ થતી જાય છે. ઉદયભાવ ક્ષણેક્ષણે નાશ પામતો જાય છે માટે તે ઉદયભાવને ક્ષાયિક કહેવામાં આવે છે. તેવી રીતે જ્ઞાનીને પૂર્વના ઉદયને લઈને જે સામગ્રી અને રાગાદિ હોય છે તે ક્ષણે ક્ષણે ખરી જાય છે માટે તેને નિર્જરા કહેવામાં આવે છે. ભગવાન અરિહંતની ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહેવામાં આવે છે, જ્યારે સાધકની ઉદયની ક્રિયાને નિર્જરા કહેવામાં આવે છે. આ શૈલી છે! શું કહ્યું? ફરીને-

કે તીર્થંકર કેવળી ભગવાન થાય છે એ તો કેવળજ્ઞાન, કેવળદર્શન અને પૂરણ આનંદની પ્રાપ્તિ વડે થાય છે. પણ હવે તેમને પૂર્વના પુણ્યને લઈને વિહાર, વાણી આદિ જે હોય છે તે બધી ક્રિયાઓ ઉદયની છે. પૂર્વ કર્મના ઉદયની તે ક્રિયાઓ ક્ષણેક્ષણે નાશ પામે છે માટે તે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહી છે. જ્યારે સાધકની ઉદયની ક્રિયાને નિર્જરા કહે છે. -આ પ્રમાણે ‘पुण्णफला अरहंता’–ની સાથે મેળ છે. અરિહંત ભગવાનને ઉદયનો નાશ થાય છે માટે તેને ‘ક્ષાયિક’ કહ્યો છે જ્યારે ધર્મીને રાગ થાય છે તે નિર્જરી જાય છે તો તેને નિર્જરા કહી છે.

અહીં કહે છે-જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી. જોયું? જ્ઞાનીને ઉદયભાવની ઇચ્છા નથી. ‘આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી.’ જ્ઞાનીને રાગની ઇચ્છાનો અભાવ છે તેથી તેનો ઉપભોગ પરિગ્રહભાવને પ્રાપ્ત થતો નથી. લ્યો, આવી વાત છે.