૩૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ અર્થાત્ પંચમભાવની પરિણતિનો રાગમાં અભાવ છે માટે તે અજ્ઞાનમય ભાવ છે. અજ્ઞાનમય ભાવ એટલે માત્ર મિથ્યાત્વભાવ જ એમ નહિ. હા, રાગને પોતાનો માને વા ભલો માને તે મિથ્યાત્વ ભાવ છે અને તે જ્ઞાનીને નથી. અને જે દયા, દાન આદિ રાગભાવ આવે છે તે પણ અજ્ઞાનમય ભાવ છે અને તેમાં જ્ઞાની રાગબુદ્ધિએ પ્રવર્તતો નથી માટે તેનો એને પરિગ્રહ નથી એમ કહે છે. અહાહા...! જ્ઞાનસંપન્ન એવો જ્ઞાની, રાગ કે જે અજ્ઞાનમય ભાવ છે તેનો પરિગ્રહ, તેની પકડ કેમ કરે? લ્યો, આવું બધું ઝીણું!
પ્રશ્નઃ– રાગ તો એક સમયનો છે, તો તેને કેવી રીતે પકડી શકાય? ઉત્તરઃ– ભાઈ! રાગ જે સમયે છે તે જ સમયે, ‘તે મારો છે વા એનાથી મને લાભ છે’-એમ અજ્ઞાનીને પકડ હોય છે. પકડ તો તે એક સમયે જ હોય, બીજા સમયે નહિ. પહેલા સમયે રાગ આવે ને તેને બીજા સમયે પકડવો એમ નથી. પરંતુ જ્ઞાનીનો ઉપયોગ તો સ્વમાં વળેલો છે ને? તેથી તેને ‘રાગ મારો છે’-એમ રાગની પકડ નથી એમ કહે છે. અહાહા...! રાગના કાળે જ્ઞાનીને તો જ્ઞાનની ને આનંદની પકડ છે; પરંતુ રાગની પકડ નથી. રાગને તો તેણે જ્ઞાનથી જુદો પાડી દીધો છે અને તેથી જ્ઞાનીને નિર્જરા જ થાય છે. આવી વાત છે! હવે કહે છે-
‘અને કેવળ વિયોગબુદ્ધિએ જ (હેયબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી.’
જોયું? જ્ઞાનીને રાગ છે તો ખરો, પણ કેવળ વિયોગબુદ્ધિએ એટલે હેયબુદ્ધિએ છે. જ્ઞાની રાગબુદ્ધિએ પ્રવર્તતો નથી એમ પહેલાં નાસ્તિથી કહ્યું ને હવે કેવળ વિયોગબુદ્ધિએ જ પ્રવર્તે છે એમ અસ્તિથી કહે છે. જ્ઞાની (રાગમાં) હેયબુદ્ધિએ પ્રવર્તમાન છે કેમકે વ્યવહારરત્નત્રયનો રાગ પણ પોતાની ચીજ નથી એમ તે માને છે. આ પ્રમાણે કેવળ હેયબુદ્ધિએ જ પ્રવર્તમાન તેને રાગ ખરેખર પરિગ્રહ નથી. હવે આવો ભગવાનનો મારગ છે; તેમાં બીજું શું થાય? (માર્ગ તો જેમ છે તેમ છે).
‘વિયોગબુદ્ધિ’ એટલે શું? સમજ્યા? એટલે કે સંબંધબુદ્ધિ નહિ, પણ વિયોગબુદ્ધિ, હેયબુદ્ધિ કહે છે-‘વિયોગબુદ્ધિએ જ પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી.’ અહાહા...! રાગમાં એકત્વબુદ્ધિ નથી અને તે કારણે જ્ઞાનીને વર્તમાન જે ભોગ છે તે પરિગ્રહ નથી. હવે જ્યાં રાગનો પરિગ્રહ નથી ત્યાં પૈસા-બૈસા આદિના પરિગ્રહની વાત તો કયાંય રહી ગઈ. સમજાણું કાંઈ...? હવે કહે છે-
‘જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી.’