સમયસાર ગાથા-૨૧પ ] [ ૩૧પ
શું કીધું? કે જ્ઞાનીને અનાગત નામ ભવિષ્યના ઉપભોગની વાંછા જ નથી, કેમકે તેને ભવિષ્યમાં તો વર્તમાન એકાગ્રતાની પૂર્ણતારૂપ મોક્ષની જ વાંછા છે. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ હોવાથી અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહપણું પામતો નથી. અહાહા...! જ્યાં રાગનો તેને પરિગ્રહ નથી ત્યાં લક્ષ્મી, કીર્તિ કે ચક્રવર્તીનો વૈભવ મને હો એવી પકડ તો તેને હોય જ કયાંથી? આ પ્રમાણે જ્ઞાનીને ત્રણકાળ સંબંધી ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી.
‘અતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે.’ ભૂતકાળનો ઉપભોગ તો વર્તમાન છે નહિ. એટલે તે ઉપભોગનો પરિગ્રહ જ્ઞાનીને નથી. વળી,
‘અનાગત ઉપભોગની વાંછા નથી; કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે?
જોયું? સમકિતી-જ્ઞાની ભગવાન આત્માના જ્ઞાન ને આનંદની ભાવના કરે કે રાગની? ધર્મીને અનાગત ઉપભોગની વાંછા નથી. જેને તે વર્તમાનમાં હેયપણે જાણે તેની ભવિષ્યના ઉપભોગ માટે કેમ વાંછા કરે? ન કરે.
પ્રશ્નઃ– એ તો ઠીક; પણ હમણાં પૈસાનું દાન કરીએ, ભક્તિ આદિ કરીએ; ધર્મ તો પછીના ભવમાં કરીશું.
ઉત્તરઃ– અરે ભાઈ! પૈસા શું તારા છે? અને તેનું દાન શું તું કરી શકે છે? પૈસા તો જડ, ધૂળ-માટી છે અને તે જડના છે. એ મારા છે અને તેનું દાન હું કરી શકું છું એવી માન્યતા તો મિથ્યાત્વ છે જે વડે સંસારની જ વૃદ્ધિ થાય છે. હવે આવું મિથ્યાત્વનું સેવન જ્યાં છે ત્યાં હવે પછીનો ભવ કેવો હશે? વિચાર કર ભાઈ! (ધર્મ તો પછીના ભવમાં કરીશું એ તો શેખચલ્લીનો વિચાર છે.)
પ્રશ્નઃ– પરંતુ દાનથી કંઈક ધર્મ તો થાય ને? ઉત્તરઃ– ધૂળેય ધર્મ ન થાય સાંભળને. દાન-આહારદાન, ઔષધદાન, અભયદાન, જ્ઞાનદાન-શુભભાવ છે ને એનાથી પુણ્ય થાય છે પણ ધર્મ નહિ. ભાઈ! પરદ્રવ્યના લક્ષે જેટલો ભાવ થાય છે તે બધોય રાગ છે. એક સ્વદ્રવ્યના લક્ષે જ વીતરાગતા અર્થાત્ ધર્મ થાય છે. અહાહા...! ત્રિલોકનાથ તીર્થંકરદેવ એમ કહે છે કે જ્યારે અમે છદ્મસ્થ મુનિ હતા ત્યારે અમને કોઈએ આહાર દીધો હતો તો તેને શુભભાવ હતો પણ ધર્મ નહીં; કેમકે પરદ્રવ્યના આશ્રયે કયારેય ધર્મ થતો નથી, એક સ્વદ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય છે-આ મહાસિદ્ધાંત છે.