૩૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અહીં કહે છે કે-જ્ઞાનીને અનાગત ઉપભોગની વાંછા નથી, કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે? ન કરે.
વળી, ‘વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હેય જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય?’ ન જ હોય. હવે સરવાળો કહે છે કે-‘આ રીતે જ્ઞાનીને જે ત્રણકાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ છે તે પરિગ્રહ નથી.’ જ્ઞાનીને જ્ઞાનની-આનંદની જ ભાવના છે, રાગની ભાવના નથી તેથી ત્રણકાળ સંબંધી ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહપણાને પામતો નથી. હવે કહે છે-
‘જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઈલાજ કરે છે-રોગી જેમ રોગનો ઈલાજ કરે તેમ આ, નબળાઈનો દોષ છે.’
શું કહે છે? ‘જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે...’ ભાઈ! આ તો જરી નિમિત્તથી સમજાવ્યું છે હો; બાકી બાહ્ય સાધનો કોણ ભેળાં કરી શકે? તે પ્રકારનો રાગ આવ્યો છે તો ‘સાધનો ભેળાં કરે છે’ એમ કહેવામાં આવે છે. બાકી પરદ્રવ્યને કોણ એકત્ર કરી શકે? કોઈ નહિ; કેમકે પરદ્રવ્ય તો જડ સ્વતંત્ર પોતે પોતાથી પરિણમે છે.
જુઓ, કોઈ જ્ઞાની પુરુષો હોય તે વિવાહ આદિ કરે, છતાં તેમાં જે રાગ છે તેને તે દુઃખરૂપ ને હેય માને છે. એ તો રાગરૂપી રોગના ઈલાજ તરીકે તત્કાલ તે ઉપાય કરે છે પણ તેમાં એને એકત્વબુદ્ધિ નથી. શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ-એ ત્રણેય તીર્થંકર ભગવાન ત્રણ જ્ઞાન ને ક્ષાયિક સમકિત લઈને જન્મ્યા હતા. ત્રણેય ચક્રવર્તી હતા, તીર્થંકર હતા ને કામદેવ પણ હતા. અહાહાહા...! ૯૬ હજાર તો સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ તે આ રીતે-રાગમાં હેયબુદ્ધિએ હોં; રાગના એક અંશને પણ પોતાનો માનતા ન હતા. માત્ર રોગનો ઉપચાર (ઈલાજ) કરતા હતા. કહ્યું ને કે-‘જ્ઞાની જે વર્તમાન ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઈલાજ કરે છે- રોગી જેમ રોગનો ઈલાજ કરે તેમ.’
રોગી જે રોગનો ઈલાજ કરે છે તેને તે શું ભલો જાણે છે? શું તે એમ માને છે કે નિરંતર રોગ રહેજો અને તેનો ઈલાજ પણ કાયમ કરવાનો રહેજો જેથી સૌ જોવાવાળા ઘણા માણસો નિત આવતા રહે? રોગ હોય તો માણસો જોવા આવે ને? તો શું રોગ અને તેનો ઈલાજ કાયમ રહે એવી શું રોગીને ભાવના છે? ના; તેમ ધર્મીને રાગના રોગની પીડા છે અને તેનો ઉપભોગ વડે ઈલાજ પણ કરે છે, પણ એ બધું હેયબુદ્ધિએ. તેને રાગની કે તેના ઉપચારની ભાવના નથી. અહા! સમકિતી ચક્રવર્તીને છન્નુ હજાર સ્ત્રીઓ સાથે ક્રીડા કરવાનો રાગ આવ્યો છે અને