સમયસાર ગાથા-૨૧પ ] [ ૩૧૭ બહારમાં સામગ્રી પણ છે, છતા એ સર્વમાં તેને હેયબુદ્ધિ છે, દુઃખબુદ્ધિ છે, સમજાણું કાંઈ...? ભાઈ! આ તો પોતાની જૂની (મિથ્યા) માન્યતામાં મીંડાં મૂકે તો સમજાય એવું છે. બાકી અજ્ઞાની તો પૈસાનું દાન કર્યું એટલે ધર્મ થઈ ગયો એમ માને છે. પણ એમાં તો ધૂળેય ધર્મ થતો નથી સાંભળને.
કોઈ લાખો-કરોડો ખર્ચ કરીને બે-પાંચ મંદિરો બનાવે તોય એમાં ધર્મ થાય એમ નથી. કેમ? કેમકે એ તો બધો શુભરાગ છે. તે વડે પુણ્યબંધ થશે, પણ ધર્મ નહિ. તથા જે મંદિરો બને છે એ તો જડની ક્રિયા જડના કારણે બને છે. શું તે આત્માથી બને છે? જુઓ, આ પરમાગમ મંદિર છે ને? એ તો તે સમયે એની બનવાની ક્રિયા હતી તો તે તેના કારણે બન્યું છે. તેનો બનાવનારો કોઈ બીજો (આત્મા) છે જ નહિ. આવી વાત છે.
આ તો થઈ ગયા પછી આપ કહો છો? ભાઈ! થઈ ગયા પહેલાં પણ અમે તો આ જ કહેતા હતા. કાઠિયાવાડમાં પહેલાં કોઈ દિગંબર મંદિર ન હતું. ત્યારે પણ આ જ કહેતા હતા. આજે ૩૦ થી ૩પ મંદિર થઈ ગયાં છે. (અત્યારે પણ આ જ કહીએ છીએ).
પણ એ તો આપના આધારે થયાં ને? ભાઈ! એ તો એમ થવાનું હતું તો થયું છે. બાકી નિમિત્તથી કહેવાય એ જુદી વાત છે. નિમિત્ત છે તે કાંઈ પરનો કર્તા છે? નિમિત્ત વસ્તુ છે, પણ નિમિત્ત (પરનું) કર્તા નથી. કોઈને શુભભાવ થતાં ભગવાન નિમિત્ત હો, પણ ભગવાન તેના શુભભાવના કર્તા નથી. આવી વાત બાપા! તત્ત્વદ્રષ્ટિ બહુ સૂક્ષ્મ છે ભાઈ!
અહીં કહે છે-‘જ્ઞાની વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે...’ અહા! આ વાંચી અજ્ઞાની કહે છે-જુઓ! સમકિતી સાધન એકઠાં કરે છે કે નહીં?
અરે ભાઈ! કઈ અપેક્ષાએ આ લખ્યું છે એ વિચાર તો ખરો. અસદ્ભૂત વ્યવહારથી અને તેમાંય ઉપચારથી આ કહ્યું છે. અસદ્ભૂત ઉપચાર ને અસદ્ભૂત અનુપચાર-એમ બે પ્રકાર છે. તેમાં આ અસદ્ભૂત ઉપચાર વ્યવહારનયથી કથન છે. આત્મા કર્મને બાંધે છે એમ કહેવું તે અસદ્ભૂત અનુપચાર છે જ્યારે જ્ઞાની સામગ્રી ભેળી કરે છે એમ કહેવું તે અસદ્ભૂત ઉપચાર વ્યવહારનય છે. ભાઈ! આ તો ઉપચારનો ઉપચાર છે. અહા! પણ શું થાય? (જ્યાં અપેક્ષાથી અર્થ ન સમયે ત્યાં શું થાય?)
અહાહા...! પોતે (આત્મા) સદાય જ્ઞાનસ્વરૂપ છે. તે શું કરે? શું રજકણને કરે? શું આંખને ફેરવે? શું પાંપણને હલાવે? કે શું શરીરને ચલાવે? શું કરે આત્મા?