૩૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ આદિનો) અનુભવ કાળ આવે છે ત્યારે તે કાળે વેદ્ય જે ઇચ્છા તેનો કાળ નથી કેમકે બન્ને ભાવો ક્ષણિક છે. આમ હોતાં ઇચ્છા પ્રમાણે વેદાતું નથી. માટે ધર્મીને વેદ્ય-વેદકભાવની ભાવના નથી. અહા! આવું ઝીણું છે!
હા, અજ્ઞાનીને પણ આવું તો ઘણી વખત બને છે? શું બને છે? કે જ્યારે ઇચ્છા થાય ત્યારે ભોગવવાની વસ્તુ ન હોય અને ભોગવવાનો કાળ આવે ત્યારે ઇચ્છા ન હોય.
અરે ભાઈ! અહીં અજ્ઞાનીની કયાં વાત છે? વર્તમાનમાં ભોગવવાયોગ્ય વસ્તુનો જોગ નથી માટે તો અજ્ઞાની ઇચ્છા કરે છે અને જ્યારે તે વસ્તુ આવે છે ત્યારે તે ઇચ્છા તો ચાલી ગઈ હોય છે. છે તો આમ, છતાં અજ્ઞાની તો ઇચ્છા કર્યા જ કરે છે. અહીં તો જ્ઞાની કેમ ઇચ્છા કરતો નથી, જ્ઞાનીને કેમ વેદ્ય-વેદકભાવની-વિભાવની ભાવના નથી એ વાત કરે છે. સમજાણું કાંઈ...!
જુઓ, ટીકામાં પહેલાં વેદ્ય છે અને પછી વેદક છે. પણ પાઠમાં (ગાથામાં) वेददि वेदिज्जदि–એમ પહેલો બોલ વેદક અને પછીનો બોલ વેદ્ય છે. પણ એ તો ગાથાના પદોને મેળવવા એમ કહ્યું છે. તેનો ખરો અર્થ તો એમ છે કે પહેલાં વેદ્ય છે અને પછી વેદક છે. वेददि અર્થાત્ અનુભવવાલાયકનો કાળ અને वेदिज्जदि એટલે વેદવાની ઇચ્છા-આમ (પહેલાં વેદક ને પછી વેદ્ય) પાઠમાં છે. પાઠ તો પદ્ય છે ને! એટલે પદ્યમાં બંધ બેસે તેમ પાઠમાં કહ્યું છે. બાકી ટીકામાં જેમ અર્થ કર્યો છે તેમ પહેલાં વેદ્ય ને પછી વેદક છે.
આ કાંઈક ઇચ્છા થાય કે-સ્ત્રી હોય તો ઠીક, દીકરો હોય તો ઠીક, આટલા પૈસા થાય તો ઠીક-અહાહા...! આવી જે ઇચ્છા-કાંક્ષમાણ ભાવ તે વેદ્ય છે; અને તે તો ક્ષણિક છે કેમકે તે ઉત્પાદ-વ્યયરૂપ વિભાવભાવ છે. હવે જ્યારે વેદવાયોગ્ય આવે અર્થાત્ જ્યારે સ્ત્રી, દીકરો કે પૈસાનો જોગ આવે ત્યારે તે ઇચ્છાનો-વેદ્યનો કાળ હોતો નથી, ઇચ્છાનો વ્યય થઈ ગયો હોય છે. ભાઈ! ગાથા અલૌકિક છે! શાંતિથી ધીરજ રાખીને સાંભળવું. શું કહે છે? કે હું અમુક ચીજને ભોગવું એમ જ્યારે ભોગવવાની વાંછા છે ત્યારે તે ચીજ નથી; કેમકે જો તે ચીજ હોય તો તેની ઇચ્છા કેમ થાય? અને જ્યારે તે ચીજનો જોગ મળ્યો, ભોગવવાનો કાળ આવ્યો ત્યારે ઇચ્છાનો જે કાળ હતો તે તો ચાલ્યો ગયો. મતલબ કે ચીજને ઇચ્છે છે તે વખતે વેદન નથી અને વેદનના કાળે જે ઇચ્છા હતી તે ઇચ્છા નથી; કેમકે ઇચ્છા ક્ષણિક છે. એ તો કહ્યું ને કે-‘જે વેદ્ય-વેદકભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે.’ ઝીણી વાત છે ભાઈ! જરા ધીમેથી સમજવું. ગાથા જ એવી ઝીણી છે ને!