સમયસાર ગાથા-૨૧૬ ] [ ૩૨૩
અહીં કહે છે-એક ધ્રુવ સ્વભાવભાવ નિજ જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્માનું જેને અંતરમાં ભાન થયું છે એવા જ્ઞાનીને પર પદાર્થને ભોગવવાની આકાંક્ષાનો વેદ્યભાવ હોતો નથી. કેમ? કેમકે તે ઇચ્છા કરવી નિરર્થક છે; કારણ કે ઇચ્છા કાળે (ઇચ્છેલી) વસ્તુ છે નહિ અને જ્યારે વસ્તુ આવે છે ત્યારે તે પ્રકારની ઇચ્છા હોતી નથી. અહા! અજ્ઞાની ઇચ્છે છે તે કાળે વસ્તુ નથી અને વસ્તુના ભોગવવા કાળે વ્યય પામી ગઈ હોય છે. માટે અજ્ઞાની જે ઇચ્છા કરે છે તે નિષ્ફળ, નિરર્થક છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર’માં આવે છે ને કે-
‘કયા ઇચ્છત ખોવત સબૈ, હૈ ઇચ્છા દુઃખમૂળ.’ શું ઇચ્છવું? ઇચ્છાયેલાની (તે કાળે) પ્રાપ્તિ તેથી નથી, ઇચ્છાકાળે વેદન (વસ્તુનો ભોગવટો) નથી. માટે ઇચ્છા નિરર્થક છે, દુઃખમૂળ છે. આવો ઝીણો માર્ગ વીતરાગનો! અજ્ઞાની તો ‘દયા તે ધર્મ’-એમ માને છે, પણ ભાઈ! વીતરાગનો મારગ બહુ જુદો છે.
પ્રશ્નઃ– તો દયા તે ધર્મ છે, સંવર-નિર્જરાનું કારણ છે એમ શાસ્ત્રમાં આવે છે ને? ઉત્તરઃ– હા, શાસ્ત્રમાં આવે છે; ‘દયા વિશુદ્ધો ધર્મઃ’-એમ આવે છે, પણ તે કયા નયનું વચન છે? અને તે કઈ દયા? જો સ્વદયા હોય તો તે શુદ્ધોપયોગરૂપ ધર્મ છે અને એવા ધર્મીને સહકારી પરદયાનો શુભરાગ હોય છે તેને વ્યવહારથી ધર્મ કહે છે. (પણ પરદયાને જ કોઈ ધર્મ માને તો તે યથાર્થ નથી).
વાત તો આવી છે બાપુ! તેમાં બીજું શું થાય? અરે! શુભભાવની ક્રિયાથી પુણ્યબંધ થાય અને એનાથી સંવર-નિર્જરા પણ થાય-એમ માનનારા અજ્ઞાનીઓએ તો વીતરાગ માર્ગને પીંખી નાખ્યો છે! અરે ભગવાન! આ શું કરે છે તું બાપુ! પુરુષાર્થસિદ્ધયુપાયમાં તો એવી ચોખ્ખી વાત કરી છે કે-જે અંશે રાગ તે અંશે બંધ અને જે અંશે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે અંશે અબંધ. આવી ચોખ્ખી વાત તો છે પ્રભુ! પછી શુભભાવ વડે સંવર-નિર્જરા થાય એ વાત કયાં રહી?
અહીં કહે છે-જ્ઞાની કે જેને ધ્રુવ એક નિત્ય જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્માનો આદર થયો છે તે, અનિત્ય અને ક્ષણવિનાશી એવા વિભાવભાવનો આદર કરતો નથી. તથા તેની ઇચ્છા કરતો નથી. કેમ ઇચ્છા કરતો નથી? કેમકે જે વાંછા-કાંક્ષમાણ વેદ્યભાવ હોય છે તે તો ક્ષણિક છે એટલે ક્ષણમાં નાશ પામી જાય છે અર્થાત્ જ્યારે વેદનનો કાળ આવે છે ત્યારે તો તે નાશ પામી ગયો હોય છે. માટે તે કોને વેદે? ઇચ્છા વખતે ઇચ્છાયેલો પદાર્થ ત્યાં છે નહિ અને પદાર્થને ભોગવવાના કાળે ઇચ્છા છે નહિ, જેને વેદવું હતું તેનો ભાવ નથી. અહો! આ તો કોઈ ગજબ વાત છે! શું શૈલી છે! દિગંબર સંતોની સમજાવવાની કોઈ અજબ શૈલી છે!!