૩૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અહાહા...! ધર્મીને તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ધ્રુવ એક જ્ઞાયકસ્વભાવ ઉપર જ દ્રષ્ટિ છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સમકિતીને, સ્વભાવભાવની ધ્રુવતાને લઈને અખંડ એક જ્ઞાયકભાવનો જ આશ્રય હોય છે. તે કારણે વિભાવભાવરૂપ વેદ્ય-વેદકભાવો કે જેમનું ઉત્પન્ન થવું ને નાશ થવું એવું ક્ષણિકપણું લક્ષણ છે તેને ધર્મી કેમ ઇચ્છે? (ન જ ઇચ્છે). અહાહા...! સમકિતી છ ખંડના રાજ્યના વૈભવમાં હોવા છતાં તેને છ ખંડના વૈભવ પ્રતિ કે હજારો સ્ત્રીના વિષયમાં રમવા પ્રતિ ભાવના નથી, ઇચ્છા નથી; કેમકે તે જાણે છે કે જ્યારે ઇચ્છા છે ત્યારે ભોગવવાનો કાળ નથી અને ભોગવવાના કાળે તે ઇચ્છા નાશ પામી ગઈ હોય છે. આવી નિરર્થક વાંઝણી ઇચ્છા જ્ઞાની કેમ કરે? અજ્ઞાની આવી નિરર્થક ઇચ્છા કર્યા કરે છે. અજ્ઞાની કરો તો કરો; જ્ઞાની તો નિત્ય એક જ્ઞાયકભાવને છોડીને ક્ષણિક નિરર્થક ભાવોની ભાવના કરતો નથી, આવો ઝીણો મારગ વીતરાગનો! કદી સાંભળવા ન મળ્યો હોય એટલે ઠેકડી કરે કે ‘આ તો નિશ્ચયની વાત છે, નિશ્ચયની વાત છે!’ પણ એથી પ્રભુ! તને લાભ નહિ થાય હોં. આ નિશ્ચયની વાત છે એટલે જ સત્ય વાત છે.
પ્રશ્નઃ– તો શું જ્ઞાની ભોગ ભોગવે છે છતાં તેને ભોગની ઇચ્છા નથી? ઉત્તરઃ– અરે ભાઈ! તે કઈ અપેક્ષાએ વાત છે? જ્ઞાનીને રાગમાં-ભોગમાં રસ ઊડી ગયો છે; છતાં તેને જે રાગ-ભોગ હોય છે-આવે છે તેને તે ઝેર સમાન જાણે છે. (તેથી તેને ભોગની ઇચ્છા નથી એમ કહ્યું છે). એ તો પહેલાં આ અધિકારમાં (કળશ ૧૩પ માં) આવી ગયું છે કે જ્ઞાની સેવક છતાં અસેવક જ છે. ભાઈ! આવો મારગ વીતરાગ સિવાય બીજે કયાંય નથી. અહો! દિગંબર સંતોએ તો કેવળીનાં પેટ ખોલીને મૂકયાં છે. અહા! ભગવાન કુંદકુંદની એક એક ગાથા અપાર ઊંડપથી ભરેલી છે.
અહાહા...! ઇચ્છાકાળ અને ભોગવવાનો કાળ-એ બેનો મેળ ખાતો નથી. માટે એવી ઇચ્છા કોણ (જ્ઞાની) કરે?
પ્રશ્નઃ– પણ ઇચ્છા વખતે પદાર્થ હોય એવું બને કે નહિ? સમાધાનઃ– એવું ત્રણકાળમાં બને નહિ; કેમકે જો ઇચ્છા વખતે પદાર્થ હોય તો ઇચ્છા શું કામ થાય? ઇચ્છા એ એક સમયની પર્યાય છે અને તે એક સમયની ઇચ્છા વેદ્ય-કાંક્ષમાણ છે. કાંક્ષમાણ નામ ‘મારે આ જોઈએ,’ ‘હું આને ભોગવું.’ આવી ઇચ્છાનો કાળ ક્ષણિક છે. માટે જ્યારે ચીજ આવી જાય છે ત્યારે ઇચ્છાનો કાળ હોતો નથી. તેથી તે ઇચ્છા નિરર્થક જાય છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– હા; પણ પહેલાં (ગાથા ૨૧પ ના ભાવાર્થમાં) તો એમ આવ્યું કે ‘જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે.’ તો આ કેવી રીતે છે?