Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2253 of 4199

 

૩૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ રાગ કરવા લાયક કર્તવ્ય છે એમ નહિ, પણ પરિણમન અપેક્ષાએ જ્ઞાની તેનો કર્તા છે. અહો! આ બહુ ગંભીર વાત છે!

અહાહા...! ચિદ્-ચિદ્-ચિદ્ એવો ચિદ્રૂપસ્વરૂપ પ્રભુ આત્મા છે. તે ‘ભગવાન’ છે ને? ‘ભગ’ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મી, અને ‘વાન’ નામ રૂપ-સ્વરૂપ. જ્ઞાન ને આનંદ જેનું ‘વાન’ નામ સ્વરૂપ છે તે આત્મા છે. આ નથી કહેતા કે આ કાળે વાને છે ને આ ધોળે વાને છે? એ વાન તો ભાઈ! શરીરનો બાપા! તો આત્મા કયા વાને છે? તો કહે છે-આત્મા ‘ભગવાન’ છે, અર્થાત્ જ્ઞાન ને આનંદ જેનું રૂપ છે તે આત્મા છે. અહાહા...! આવો આત્મા જેના અનુભવમાં આવ્યો તે (જ્ઞાની), વાંછિત ભોગ થતો નથી તેથી, નિષ્ફળ વાંછા કેમ કરે?

હવે એક કોર ચક્રવર્તી રોજ સો-બસો કન્યાઓ પરણે અને એવી રીતે ૯૬ હજાર રાણીઓના વૃંદમાં રહે અને બીજી કોર એમ કહેવું કે તે નિષ્ફળ વાંછા કેમ કરે? તો આવું કેમ માનવું?

સમાધાનઃ– અરે ભાઈ! તને ખબર નથી બાપુ! એ તો જરી (અસ્થિરતાનો) લગ્ન કરવાનો વિકલ્પ છે તેને તે જાણે છે અને વિકલ્પના ભોગવવાના કાળે પણ, તેના જ્ઞાનની પર્યાય તે જ પ્રકારની સ્વપરપ્રકાશકપણે પ્રગટ થાય છે તેથી, તેને (ભોગવવાના વિકલ્પને) પણ તે જાણે જ છે. સામગ્રી મને (મારી) હો એવું એને કયાં છે? એને તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ હોવાથી વિકલ્પોને તે માત્ર જાણે જ છે, વિકલ્પોનું કરવાપણું કે ભોગવવાપણું તેને હોતું નથી. આવી વાત છે.

હવે કહે છે-‘જ્યાં મનોવાંછિત વેદાતું નથી...’ જુઓ, સંક્ષેપમાં વેદ્ય ને વેદક એમ બેય કહી દીધું, ભાષા ટૂંકી કરી દીધી. ‘મનોવાંછિત’-એ વેદ્ય અને ‘વેદાતું નથી’-એ વેદક. અહાહા...! પંડિત જયચંદજીની ઈષ્ટાર્થને કહેનારી કેવી વાણી! આનું નામ તે પંડિત! કહે છે-‘જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે.’ ત્રણ વાત કરી-

૧. વેદક અને વેદ્ય ભાવો વિભાવભાવો છે, વિનાશિક છે. તેઓ સ્વભાવભાવ નથી. ૨. માટે, જ્ઞાની તેને કેમ કરે? અને કેમ ભોગવે? ૩. જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે. આ તો ખૂબ ગંભીર વાત છે બાપા! તેની ગંભીરતાનો કાંઈ પાર નથી.

*