સમયસાર ગાથા-૨૧૬ ] [ ૩૪૧
(અસ્થિરપણું) હોવાથી ‘खलु’ ખરેખર ‘कांक्षितम् एव वेद्यते न’ વાંછિત વેદાતું નથી.
જોયું? વેદ્ય-વેદકરૂપ ભાવો વિભાવભાવો છે, કર્મના ઉદયે ઉત્પન્ન થતા વિપરીત - વિરુદ્ધ ભાવો છે; અને તેઓ ચળ-અસ્થિર છે, અર્થાત્ ક્ષણિક-વિનાશિક છે. અસ્થિર હોવાથી તે બેય ભાવોને મેળ-મેળાપ નથી. વેદ્ય-વાંછાનો ભાવ હોય ત્યારે વેદકભાવનો કાળ હોતો નથી અને વેદક થાય ત્યારે વેદ્ય-વાંછાનો ભાવ રહેતો નથી, વિણસી જાય છે, માટે તે બેયને મેળ નથી. તેથી ખરેખર વાંછિત વેદાતું નથી. આવી વાત! તેથી કહે છે-
‘तेन’ માટે ‘विद्वान किञ्चन कांक्षति न’ જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. અહીં વિદ્વાન એટલે જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી એમ કહે છે. વિદ્વાન એટલે ઘણાં શાસ્ત્રોનો જાણનાર એમ નહિ, પણ વિદ્વાન એટલે જ્ઞાની તેને કહીએ જેને નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન અને વેદન પ્રગટ થયું છે. આવો વિદ્વાન કાંઈ પણ વાંછતો નથી એમ કહે છે. અહાહા...! વાંછે તે વિદ્વાન શાનો? જેને રાગનો રસ છે, રાગની વાંછા છે તેને તો ભગવાન આત્મા પ્રત્યે દ્વેષ છે, ક્રોધ છે. અહીં કહે છે-જેને ભગવાન આત્માની રુચિ થઈ છે તે વિદ્વાન છે અને તે કાંઈ પણ (રાજપદ, દેવપદ, આદિ) વાંછતો નથી.
જ્ઞાનીને વિષયોમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ હોય છે. જુઓ, સમકિતી ઇન્દ્ર એકાવતારી છે અને તેને ઇન્દ્રાણી સહિત ક્રોડો અપ્સરાઓ છે. પણ તેને એમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે, તેને તો ભગવાન આત્મામાં સુખબુદ્ધિ પ્રગટ થઈ છે, તેથી તેને વર્તમાન જે કિંચિત્ રાગની વૃત્તિ છે તેને તે માત્ર જાણે જ છે. અહાહા...! પર્યાયમાં કિંચિત્ આસક્તિ હોય છે તેનો જ્ઞાની માત્ર જ્ઞાતા જ છે, કર્તા નથી, વાંછક નથી.
કહે છે-‘विद्वान् किश्चन न कांक्षति’ વિદ્વાન એટલે શું? તેમાં બે શબ્દ છે- વિત્+વાન, વિત્ એટલે જ્ઞાન, અને તેનો વાન તે વિદ્વાન છે. વિત્ એટલે લક્ષ્મી-પૈસા અર્થ થાય છે. પણ અહીં વિત્ એટલે જ્ઞાન-લક્ષ્મી એમ કહેવું છે. જ્ઞાનીની લક્ષ્મી તે જ્ઞાન છે, અજ્ઞાનીની પૈસા. તો કહે છે-જેને જ્ઞાનનું જ્ઞાન છે તે વિદ્વાન છે. જ્ઞાન એટલે આત્મા. ‘આત્મા તે જ્ઞાન’ -એમ કહ્યું છે ને? સમયસારમાં બધે ‘જ્ઞાન તે જ આત્મા’-એમ શૈલી છે. સમયસારના અર્થમાં પણ એમ જ છે-‘જ્ઞાન તે આત્મા.’ પ્રવચનસારમાં એમ લીધું છે કે જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન, દર્શન, ચારિત્ર ને આનંદ પણ છે. ત્યાં અપેક્ષા બીજી છે. અહીં તો સ્વભાવ છે તે સ્વભાવી છે એમ અભેદથી