સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩પ૭ આકાશ છે. તેમાં એક પરમાણુ જેટલી જગા રોકે તે પ્રદેશ છે. આવા આકાશના અનંત- અનંત પ્રદેશ છે. અને એનાથી અનંતગુણા ભગવાન આત્માના ગુણ છે. તે એકેક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. એક ગુણમાં બીજો ગુણ નથી, પણ એકેક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. જ્ઞાનગુણમાં ઇશ્વરશક્તિનું રૂપ છે; અર્થાત્ જ્ઞાનગુણ સ્વયં પોતાથી અખંડ પ્રતાપવડે સ્વતંત્ર શોભાયમાન છે. તેવી રીતે દર્શનગુણમાં ઇશ્વરશક્તિનું રૂપ છે. દર્શનગુણમાં ઇશ્વરશક્તિ નથી, પણ ઇશ્વરશક્તિનું રૂપ છે. અહાહા...! આવો ભગવાન આત્મા અનંત મહિમાવંત ચિત્ચમત્કાર-સ્વરૂપ મહા પદાર્થ છે. ભાઈ! તને આ ધૂળની-પૈસાની ને બાયડીના દેહની ને બંગલાની મહિમા આડે તારી મોટપની ખબર નથી. એ બધી ધૂળમાં તો કાંઈ નથી પણ જેના એકેક ગુણમાં ઇશ્વરશક્તિનું રૂપ છે એવો અખંડ પ્રતાપ જેનો છે એવો ચૈતન્યમહાપ્રભુ તું ઇશ્વર છો, પરમેશ્વર છો.
જ્ઞાનીને તો આ ચૈતન્યમહાપ્રભુ એક જ્ઞાયકભાવ પોતાનો છે. ‘એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવો જ્ઞાની’-એમ કહ્યું ને? પણ પુણ્યવાળો કે રાગવાળો કે પૈસાવાળો જ્ઞાની એમ ન કહ્યું? ભાઈ! પુણ્ય, રાગ કે પૈસા છે કયાં વસ્તુમાં? પૈસા તો ધૂળ અજીવ છે, તેની જીવમાં નાસ્તિ છે; તથા પુણ્ય ને રાગ આસ્રવ છે, તેની પણ શુદ્ધ ચૈતન્યમાં નાસ્તિ છે. અહાહા...! આત્મદ્રવ્ય એક જ્ઞાયકપણે અસ્તિ છે અને બીજા અનંતદ્રવ્યની અને બીજા અનંત પરભાવની તેમાં નાસ્તિ છે. આવા એક જ્ઞાયકભાવવાળા જ્ઞાનીને, કહે છે, રાગનો નિષેધ છે અર્થાત્ તેને રાગનું કરવાપણુંય નથી ને ભોગવવાપણુંય નથી. એને તો માત્ર જ્ઞાતાદ્રષ્ટાપણું છે. ધર્મી તો જાણવાવાળો-જ્ઞાતાદ્રષ્ટા છે. સમયસાર નાટકમાં આવે છે ને કે-
જે રાગ કરે તે કર્તા અજ્ઞાની છે અને જે જાણે તે જ્ઞાની છે. જે કરે તે જ્ઞાતા નહિ અને જે જાણે તે કર્તા નહિ. ચાહે રાગ હો કે શરીર હો, જ્ઞાની તો એના જાણનાર જ છે; જ્ઞાની તેને વ્યવહારે જાણે છે, નિશ્ચયથી તો તે શુદ્ધ ચૈતન્યદ્રવ્યને જાણે છે, અનુભવે છે. આવું લોકોને આકરું લાગે પણ અનંત કેવળીઓએ, ગણધરોએ અને મુનિવરોએ કહેલો માર્ગ આ જ છે.
આ અર્હંતાદિ પંચ પરમેષ્ઠી નથી? ભગવાન! એ પંચ પરમેષ્ઠીપદ ભગવાન આત્માનાં-તારાં જ છે. તું જ અર્હંતાદિસ્વરૂપ છો. એ પંચપરમેષ્ઠીપદ આત્માની પેદાશ છે, એ કાંઈ રાગની કે શરીરની-પરની પેદાશ નથી; રાગમાં કે પરના સ્વરૂપમાં આ પાંચ પરમપદ છે જ નહિ.