Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2271 of 4199

 

૩પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

* ગાથા ૨૧૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જે અધ્યવસાનના ઉદયો સંસારસંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઇત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહસંબંધી છે અને ઉપભોગનાં નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે.’

શું કીધું? રાગ-દ્વેષ-મોહનું કરવું તે કર્તાપણું છે અને તે બંધનું કારણ છે, સંસારનું કારણ છે. રાગ ચાહે પુણ્યનો હો કે પાપનો, પણ એમાં કરવાપણું છે તે મિથ્યાત્વભાવ છે અને તે બંધનનું કારણ છે. આ શું કીધું? સમજાણું કાંઈ...? ભગવાન આત્મામાં સંસારસંબંધીના કર્તાપણાના જે અધ્યવસાન ભાવ થાય છે તે બંધનાં કારણ છે અને તેઓ રાગ, દ્વેષ, મોહ છે. તથા જે દેહસંબંધી અધ્યવસાનના ભાવ છે, ભોક્તાપણાના ભાવ છે તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે. આમાં પહેલું કર્તાપણું ને બીજું ભોક્તાપણું નાખ્યું છે. હવે વિશેષ સિદ્ધાંત કહે છે કે-

‘તે બધાય (અધ્યવસાનના ઉદયો) નાના દ્રવ્યોના સ્વભાવ છે.’ શું કહે છે? કે સંસારસંબંધી મિથ્યાત્વ અને પુણ્ય-પાપના ભાવ બંધનું કારણ છે અને ભોગસંબંધી જે ભોક્તાપણાના ભાવ છે તે સુખ-દુઃખ છે. તે બધાય નાના દ્રવ્યોના સ્વભાવ છે અર્થાત્ તેઓ એક શુદ્ધ ચૈતન્યદ્રવ્યના સ્વભાવ નથી. રાગદ્વેષમોહના ભાવ તથા સુખદુઃખની કલ્પના-એ બધાય કર્મના સંયોગના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે અને તેથી તેઓ વ્યભિચારી ભાવ છે. જેમ મૈથુનમાં બેના સંયોગથી ભાવ ઉત્પન્ન થાય છે તેમ વિકારના-કર્તાપણાના ને ભોક્તાપણાના ભાવ એક જીવ અને બીજા કર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. બીજાના સંબંધથી ઉત્પન્ન થયેલા તે ભાવ વ્યભિચારી ભાવ છે. ગાથા ૨૦૩ માં તેમને વ્યભિચારી ભાવ કહ્યા છે. કર્મના નિમિત્તના વશે જે ભાવ ઉત્પન્ન થાય તે વ્યભિચારી ભાવ છે, જ્યારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના-એક જ્ઞાયકસ્વરૂપ પ્રભુ આત્માના વશે ઉત્પન્ન થયેલા નિર્મળ પરિણામ અવ્યભિચારી મોક્ષમાર્ગના પરિણામ છે.

ભાઈ! વ્યવહારરત્નત્રયના ભાવ પણ જો કર્તાબુદ્ધિથી છે તો તે બંધભાવ છે. વ્યવહારરત્નત્રયના પરિણામ શુભરાગ છે અને તેનું કર્તાપણું એ સંસારસંબંધી બંધનના ભાવ છે; જ્યારે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે ઉત્પન્ન થયેલા શુદ્ધ રત્નત્રયના પરિણામ એક દ્રવ્યસ્વભાવ હોવાથી અવ્યભિચારી ભાવ છે. એ તો પુણ્ય-પાપ અધિકારમાં કળશ ૧૦૬-૧૦૭માં આવી ગયું કે જ્ઞાનનું થવું એક દ્રવ્યસ્વભાવે હોવાથી શુદ્ધ છે, પવિત્ર છે, મોક્ષનું કારણ છે, જ્યારે કર્મ (રાગ)નું થવું અન્ય દ્રવ્યના સ્વભાવે હોવાથી મોક્ષનું કારણ નથી, બંધનું કારણ છે. ત્યાં (૧૦૬-૧૦૭ કળશમાં) वृत्तं....