સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩૬૩ જે વાદવિવાદ કરે, વિતંડાવાદ કરે તે અંધ છે કેમકે તેને ભગવાન આત્મા દેખાતો નથી, અનુભવમાં આવતો નથી. ‘ખોજી જીવૈ, વાદી મરૈ’ એમ આવે છે ને? ભાઈ! સત્ના શોધવાવાળાનું જીવન રહે છે અને જે વાદી-મતાગ્રહી છે તે મરે છે અર્થાત્ સંસારમાં ચારગતિમાં રઝળે છે, ડૂબી મરે છે.
અહીં કહે છે-‘તે બધાય (અધ્યવસાનો) નાના દ્રવ્યોના સ્વભાવ છે; જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે.’
જુઓ, વિકારના-વિભાવના પરિણામ જીવ ને કર્મના સંબંધથી ઉત્પન્ન થયેલા છે, કર્મે ઉત્પન્ન કર્યા છે એમ નહિ, પણ કર્મના નિમિત્તના વશથી ઉત્પન્ન થયા છે. તેથી તેઓ નાના દ્રવ્યોના સ્વભાવ છે. જ્યારે જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે. સંયોગવશ ઉત્પન્ન થયેલા સંયોગીભાવ જ્ઞાનીના છે નહિ; જ્ઞાની તો તેનો માત્ર જાણવાવાળો છે. વ્યવહારરત્નત્રયનો રાગ પણ સંયોગીભાવ છે, જ્ઞાની તો તેનો પણ જાણવાવાળો છે, તેનો કર્તા નથી, વા તેનો સ્વામી નથી; કેમકે જ્ઞાની તો એક જ્ઞાયકસ્વભાવ છે. ચોથે ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિ એક જ્ઞાયકસ્વભાવ છે. અહા! ભાષા તો સાદી છે, પણ ભાવ સૂક્ષ્મ છે. આ તો ત્રણલોકના નાથ જિનેશ્વર પરમેશ્વરનો માર્ગ બાપા! અહા! અલૌકિક ચીજ છે પ્રભુ!
અહાહા...! ‘જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે. માટે જ્ઞાનીને તેમનો (વિભાવોનો) નિષેધ છે.’ આ વ્યવહારરત્નત્રયનો રાગ કે જે બે દ્રવ્યોના સંબંધથી ઉત્પન્ન થવાવાળો છે તેનો જ્ઞાનીને નિષેધ છે. ટીકામાં પણ એ આવ્યું હતું કે જ્ઞાનીને તેમનો નિષેધ છે. એટલે શું? કે પુરુષાર્થની કમજોરીના કારણે તે ઉત્પન્ન થાય છે પણ તે હું નથી, તે મારી ચીજ નથી-એમ જ્ઞાનીને તેનો નિષેધ છે. હું તો એક જ્ઞાયકસ્વભાવ જ છું, અને કર્મના સંબંધથી-વશથી ઉત્પન્ન થયેલો આ રાગ મારી ચીજ નથી એમ જ્ઞાનીને તેનો નિષેધ છે. ૨૭૨મી ગાથામાં આવે છે ને કે-
જુઓ, આમાં પણ વ્યવહારનયનો નિષેધ આવ્યો. નિશ્ચયનું ઉપાદેયપણું કહ્યું ને વ્યવહારનો નિષેધ કર્યો. એટલે શું? કે જેણે નિશ્ચય શુદ્ધ આત્મદ્રવ્યના લક્ષે નિશ્ચયરત્નત્રય પ્રગટ કર્યાં તેને વ્યવહારનો નિષેધ છે અર્થાત્ તેને વ્યવહારરત્નત્રયનો રાગ મારો છે વા તે મારું કર્તવ્ય છે એમ છે નહિ.
વ્યવહારનય જ્ઞાનીને છે નહિ એમ નહિ. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ વ્યવહારનય જ્ઞાનીને છે ખરો, પણ દ્રષ્ટિમાં જ્ઞાનીને તેનો નિષેધ છે કેમકે જ્ઞાનીને તો એક જ્ઞાયકસ્વભાવ જ પોતાનો છે, આવી વાત છે.