૩૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
હવે કહે છે-‘તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગ-પ્રીતિ નથી.’ આ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગમાં કે પંચમહાવ્રતના રાગમાં કે શાસ્ત્ર ભણવાના વિકલ્પમાં જ્ઞાનીને રાગ-પ્રીતિ નથી. શું કહ્યું? વ્યવહારરત્નત્રય નથી એમ નહિ, પણ વ્યવહારરત્નત્રય પ્રત્યે રાગ કે પ્રીતિ નથી. ભાઈ! જ્યાં પૂર્ણ વીતરાગતા ન હોય ત્યાં લગી જ્ઞાનીને વ્યવહારનય હોય છે, મુનિરાજને કે જેમને અંતરંગમાં પ્રચુર આનંદનું સ્વસંવેદન પ્રગટ છે તેમને પણ પ્રમત્તભાવ છે, અઠ્ઠાવીસ મૂલગુણ આદિના વિકલ્પ છે, પણ દ્રષ્ટિમાં તે સર્વનો નિષેધ છે, અર્થાત્ તેનાથી મને લાભ છે અને તે મારું કર્તવ્ય છે એમ તેમને નથી. પોતાના એક જ્ઞાયકસ્વભાવ સિવાય બીજા કોઈ પણ સંયોગીભાવમાં જ્ઞાનીને સ્વામીપણું હોતું નથી. આવી વાત લોકોને આકરી પડે છે! પણ શું થાય?
અજ્ઞાનીને તો એમ સિદ્ધ કરવું છે કે-વ્યવહારરત્નત્રયથી-નિશ્ચય થાય છે અને નિમિત્તથી ઉપાદાનમાં કાંઈક (વિલક્ષણતા) થાય છે. પરંતુ ભાઈ! નિમિત્ત છે તે પરચીજ છે, અને પરથી પરચીજમાં કાંઈક થાય એવું કયારેય બને ખરું? કયારેય ન બને. એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયમાં શું કરે? કાંઈ ન કરે; જો કરે તો બે દ્રવ્ય એક થઈ જાય, બે રહે નહિ. એવી રીતે વ્યવહાર પણ નિશ્ચયમાં નિમિત્ત છે. નિમિત્ત જેમ કર્તા નથી, ઉપસ્થિતિમાત્ર છે તેમ વ્યવહાર પણ નિશ્ચયનો કર્તા નથી, નિમિત્તમાત્ર છે, સહચરમાત્ર છે. આવું છે!
અહાહા...! જ્ઞાનીને રાગ પ્રત્યે રાગ-પ્રીતિ નથી. અહાહા...! એને તો નિજ નિર્મળાનંદના નાથની રુચિ-પ્રીતિ થઈ છે ને? તો સ્વભાવની રુચિ થતાં રાગની રુચિનો અભાવ થઈ જાય છે. રાગ નથી હોતો એમ નહિ, પણ રાગની રુચિનો જ્ઞાનીને અભાવ હોય છે. હવે વિશેષ કહે છે કે-
‘પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો?’
જોયું? પરદ્રવ્ય છે તે રાગનું -વિભાવનું નિમિત્ત છે અને પરભાવ છે તે રાગ- વિભાવ છે. અહીં તે બન્નેને સંસાર પરિભ્રમણનાં કારણ કહ્યાં છે કેમકે બન્ને પ્રત્યે જે પ્રીતિનો ભાવ છે તે મિથ્યાત્વભાવ છે. જ્ઞાનીને પરદ્રવ્ય ને પરભાવ બન્ને પ્રત્યે પ્રીતિ હોતી નથી. તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો? અર્થાત્ તેમના પ્રત્યે પ્રીતિ કરે તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે.
શ્રી પંચાસ્તિકાયમાં (ગાથા ૧૩૬ માં) પ્રશસ્ત રાગના સ્વરૂપનું કથન કર્યું છે. ત્યાં અપ્રશસ્ત રાગનો નિષેધ કરનાર દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ભક્તિનો જે અનુરાગ છે તેને પ્રશસ્ત રાગ કહ્યો છે. દેવ-ગુરુ-ધર્મ એ પ્રશસ્ત વિષયો છે ને? એટલે તેમના પ્રત્યે ભક્તિ ને અનુગમનના રાગને પ્રશસ્ત રાગ કહ્યો છે. પણ એ તો અસ્થિરતાની અપેક્ષાએ