૩૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભગવાનની ભક્તિ-પૂજા કરવાં ઇત્યાદિ રાગ તેને હોય છે. જ્યાં લગી પૂરણ વીતરાગ ન થાય ત્યાં લગી રાગભાવ પણ છે. સ્વાશ્રયથી વીતરાગભાવ છે તો પરના આશ્રયે કિંચિત્ રાગભાવ પણ છે. એક જ્ઞાનધારા ને બીજી કર્મધારા -એમ બન્ને સાથે ચાલે છે. એ તો ‘यावत् पाकमुपैत्ति’... ઇત્યાદિ કળશમાં આવે છે ને કે-કર્મની ક્રિયા પૂર્ણપણે અભાવને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મની ક્રિયા-રાગાદિ પણ જ્ઞાનીને હોય છે. પણ તે રાગનો પ્રેમ જ્ઞાનીને નથી, એ તો રાગને હેયબુદ્ધિએ જાણે છે. માટે રાગની ક્રિયા તેને પરિગ્રહપણાને પામતી નથી. શું કહ્યું? એમ તો રાગ અભ્યંતર પરિગ્રહ છે અને આ પૈસા-ધૂળ આદિ બાહ્ય પરિગ્રહ છે. પણ ‘આ રાગાદિ મારા છે’-એમ જ્ઞાનીને નથી તેથી તે રાગાદિ ક્રિયા પરિગ્રહપણાને પામતી નથી. અહો! દિગંબર સંતો સિવાય તત્ત્વની સ્થિતિની આવી વાત બીજે કયાંય છે નહિ; સંતોએ વસ્તુના સ્વરૂપને અત્યંત સ્પષ્ટ કર્યું છે.
અહાહા...! કહે છે-‘જ્ઞાની...’ ‘જ્ઞાની’ શબ્દે કોઈ એમ માની લે કે જેને બહુ જાણપણું (ક્ષયોપશમ) હોય તે જ્ઞાની તો એમ નથી. તથા કોઈ એમ કહે કે અમે ધર્મી છીએ પણ જ્ઞાની નથી તો એમ પણ નથી. જે જ્ઞાની છે તે ધર્મી છે ને જે ધર્મી છે તે જ્ઞાની છે એમ વાત છે. સમ્યગ્દ્રષ્ટિને ભલે અલ્પ ક્ષયોપશમ હોય પણ તે જ્ઞાની જ છે. સ્વરૂપના આશ્રયે આત્મજ્ઞાન પ્રગટ થયું છે તો તે જ્ઞાની જ છે. ભાઈ! થોડું પણ સમકિતીનું જ્ઞાન વિજ્ઞાન છે, ને અજ્ઞાનીનું નવ પૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાન છે. સૂક્ષ્મ વાત છે ભાઈ! જેને રાગની રુચિ છે અને આત્માની રુચિ નથી એવા અજ્ઞાનીને કદાચિત્ નવ પૂર્વ સુધીની લબ્ધિ પ્રગટ થઈ જાય તોપણ તે અજ્ઞાન છે કેમકે એ બધું પરલક્ષી જ્ઞાન છે; જ્યારે જેને દ્રવ્યસ્વભાવનો-વિજ્ઞાનઘનસ્વભાવનો આશ્રય થયો છે એવા સમકિતીને થોડું જ્ઞાન હોય તોપણ તે વિજ્ઞાન છે કેમકે તેને સ્વરૂપલક્ષી જ્ઞાન છે.
અહીં કહે છે-જ્ઞાની રાગરસથી રિક્ત એટલે ખાલી છે, માટે તેને કર્મ એટલે રાગની ક્રિયા પરિગ્રહપણાને પામતી નથી. રાગની ક્રિયા તેને હોય છે, પણ તે પરિગ્રહભાવને એટલે કે રાગ મારો છે એવા પકડરૂપ ભાવને ધારતી નથી કેમકે તેને રાગમાં રસ નથી, રુચિ નથી.
જ્ઞાનીને વ્યવહાર-રાગ હોય છે તેથી કોઈ એમ માને કે વ્યવહારથી નિશ્ચય થાય છે તો તેમ નથી. નિશ્ચય (વીતરાગ પરિણામ) થાય તેમાં વ્યવહાર નિમિત્ત છે, પણ એનો અર્થ જ એ થયો કે નિમિત્ત જે વ્યવહાર છે તે નિશ્ચયનો કર્તા નથી. જેમ કુંભાર, ઘડો થાય એમાં નિમિત્ત છે પણ કુંભાર ઘડાનો કર્તા નથી તેમ વ્યવહાર નિમિત્ત હો, પણ તે નિશ્ચયનો કર્તા નથી. ૩૭૨ મી ગાથામાં આચાર્ય અમૃતચંદ્ર કહે છે-અમે તો ઘડો માટીથી ઉત્પન્ન થયેલો જોઈએ છીએ પણ કુંભારથી ઉત્પન્ન થયેલો