સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩૬૯ દેખતા નથી કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણને (પર્યાયને) ઉત્પન્ન કરે એવી તેમાં અયોગ્યતા છે. અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણને ઉત્પન્ન કરે જ નહિ. માટે માટીના સ્વભાવે ઉપજેલા ઘડાને તે કાળે કુંભાર નિમિત્ત હો, પણ કર્તા નથી. તેમ જ્ઞાનીને વ્યવહાર હો, પણ તે નિશ્ચયના કર્તા નથી. આટલો બધો ફેર માનવો જગતને કઠણ પડે છે. પણ શું થાય?
ભાઈ! જ્ઞાનીને પોતાના શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ આત્મામાં મમપણું છે. જેમ અતીન્દ્રિય આનંદસ્વરૂપમાં મમપણું છે તેમ તેને રાગમાં મમપણું નથી. જુઓ, આ ચોકલેટ વગેરે દેખાડીને નથી કહેતા બાળકને કે-‘લે, મમ લે મમ;’ તેમ જ્ઞાનીનું ‘મમ’ આનંદઘન પ્રભુ આત્મા છે. અહાહા...! તેને અતીન્દ્રિય આનંદનો જે ભોગ છે તે તેનું ‘મમ’ છે; અને તેથી રાગનું તેને ‘મમ’ (ભોજન, ભોગ) હોતું નથી. શું રાગ તેને ભાવે છે? નથી ભાવતો. જેમ લાડુ ખાતાં કાંકરી આવે તો ફટ તેને કાઢી નાખે તેમ નિરાકુલ આનંદનું ભોજન કરતાં વચ્ચે રાગ આવે તેને ફટ કાઢી નાખે છે, જુદો કરી નાખે છે. જેને આત્માનો આનંદ ભાવે છે તેને રાગ કેમ ભાવે? ન ભાવે. તે કારણે રાગ તેને આવે છે તે પરિગ્રહપણાને પામતો નથી, આવી વાત છે.
‘જેમ લોધર, ફટકડી વગેરે લગાડયા વિના વસ્ત્ર પર રંગ ચઢતો નથી તેમ રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી.’
‘રાગભાવ વિના’ એમ કહ્યું એનો અર્થ શું? રાગ તો છે જ્ઞાનીને, પણ રાગની રુચિ નથી. તો રાગની રુચિ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી એમ અર્થ છે. અહા! ભોગની પર્યાય ઉત્પન્ન થાય પણ જ્ઞાનીને તે ઝેર સમાન ભાસે છે. જ્ઞાનીને જે સ્ત્રીના વિષયમાં રાગ આવે છે તે ઝેર જેવો તેને લાગે છે. અહા! અમૃતના સાગર ભગવાન આત્માના નિરાકુળ આનંદરૂપ અમૃતનો જેણે સ્વાદ ચાખ્યો તેને રાગ ભાવતો નથી. લ્યો, જેને આત્મા ભાવે છે તેને રાગ ભાવતો નથી. જુઓ, જ્ઞાનીને કર્મોદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી’ -એમ કહ્યું તેથી કરીને ભોગ કરવા ને ભોગ ઠીક છે-એમ અહીં કહેવું નથી.
કોઈ વળી કહે છે-જ્ઞાની કુશીલ સેવે તોય પાપ નથી. અરરર! પ્રભુ! તું શું કહે છે આ? પ્રભુ! અહીં તો વ્યવહારરત્નત્રયનો ભાવ પણ પાપ છે એમ કહે છે. (તો પછી કુશીલની તો શું વાત?).