Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2283 of 4199

 

૩૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

આચાર્ય યોગીન્દ્રદેવ આ કહે છે કે-અનુભવી બુધ પુરુષ તો પુણ્યને પણ પાપ જાણે છે. સમયસારનો પુણ્ય-પાપ અધિકાર સમાપ્ત કરતાં ટીકામાં આ કહે છે કે-પુણ્ય- પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપ થઈને બહાર નીકળી ગયું. વળી ત્યાં કહ્યું છે કે-સ્વરૂપથી પતિત થાય છે તો વ્યવહારરત્નત્રય-રાગ ઉત્પન્ન થાય છે માટે તે પાપ છે. પહેલાં તેને પુણ્ય કહ્યું ને પછી તેને પાપમાં નાખી દીધું. આમ છે તો પછી જ્ઞાનીને પાપનો પ્રેમ કેમ હોય? અહા! જ્યાં સ્વ-સ્ત્રી સંબંધી ભોગના પરિણામ પણ પાપ છે તો પછી પરસ્ત્રીના ભોગનું તો કહેવું શું? એ તો મહાપાપ છે, બાપુ!

અહીં તો જ્ઞાનીને રાગમાં રસ નથી એમ બતાવવું છે; જ્ઞાનીને ભોગના પરિણામમાં રસ નથી તેથી તે પરિગ્રહપણાને પામતા નથી એમ વાત છે. પહેલાં કળશ ૧૩પમાં આવ્યું હતું ને કે-જ્ઞાની સેવક છતાં અસેવક છે; બસ આ વાત અહીં છે. રાગના ને ભોગના પરિણામમાં પ્રેમ નથી તેથી તેને કર્મોદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી.

*

ફરી કહે છે કેઃ-

* કળશ ૧૪૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

આ નિર્જરા અધિકાર છે. તો નિર્જરા કોને હોય છે, ધર્મ કોને હોય છે-એની અહીં વાત કરે છે. કહે છે-‘यतः’ કારણ કે ‘ज्ञानवान्’ જ્ઞાની ‘स्वरसतः अपि’ નિજરસથી જ ‘सर्वरागरसवर्जनशीलः’ સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો ‘स्यात्’ છે.

જોયું? અતીન્દ્રિય આનંદરસના ચૈતન્યરસના નિજરસથી જ જ્ઞાની સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. અહાહા...! જેને ચૈતન્યરસ નિજરસ છે તેને રાગનો રસ નિજરસ નથી. જ્ઞાનીને નિજરસ જે ચૈતન્યરસ-ચિદાનંદરસ તે રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. આ અસ્તિ-નાસ્તિ કર્યું કે જ્ઞાનીને નિજરસ ચૈતન્યરસપણે છે ને રાગરસપણે નથી. રાગરસની નિજરસમાં-ચૈતન્યરસમાં નાસ્તિ છે. અહાહા...! જેને નિજરસ નામ વીતરાગરસરૂપ ચિદાનંદરસનો સ્વાદ આવ્યો છે તેને રાગમાં રસ છે નહિ. હવે આવી વાતો લોકોને આકરી લાગે છે! પણ બાપુ! આ શાસ્ત્ર જ આમ પોકાર કરે છે.

અહાહા...! જેને આત્મરસ-અતીન્દ્રિય આનંદનો રસ અનુભવમાં આવ્યો છે તે જ્ઞાની છે અને તે નિજરસથી જ ‘स्वरसतः अपि’–સર્વ રાગના રસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. ગજબ વાત છે ભાઈ!

પ્રશ્નઃ– પણ એ (આનંદરસનો અનુભવ) તો ક્રમબદ્ધમાં આવવાવાળો હશે તો આવશે?