૩૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પ્રશ્નઃ– તો શું આ ઉપવાસ કરીએ તે તપ ને તે વડે નિર્જરા-એમ બરાબર નથી? ઉત્તરઃ– ધૂળેય બરાબર નથી સાંભળને. ભોજન ન લેવું તેને તું ઉપવાસ કહે છે પણ એ તો જડની ક્રિયા છે, અને એનો જે શુભ વિકલ્પ છે તે રાગ છે. એમાં આત્મા કયાં છે કે એને તપ કહીએ? તે તપ છે નહિ અને એનાથી નિર્જરાય છે નહિ. અહીં તો અતીન્દ્રિય આનંદના નાથ પ્રભુ આત્માના સમીપ જતાં જે આનંદના રસનો સ્વાદ આવે છે તે ઉપવાસ છે. ‘ઉપવસતિ ઇતિ ઉપવાસઃ’ આત્માની સમીપ નામ સન્નિકટ રહેવું એનું નામ ઉપવાસ છે. આનું નામ ધર્મ છે, નિર્જરા છે. અહીં કહે છે-જ્ઞાનીને નિજરસથી જ સર્વ રાગરસનો ત્યાગ છે. ‘સર્વ રાગરસ’ એમ શબ્દ છે ને? મતલબ કે ગમે તેવો શુભરાગ હો, જ્ઞાનીને તેના રસથી વિરક્તિ છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યરસમાં અનુરક્ત એવા જ્ઞાનીને સર્વ રાગરસથી વિરક્તિ છે; જ્ઞાની રાગમાં રક્ત છે જ નહિ. આવો મારગ છે ભાઈ!
પ્રશ્નઃ– સમ્મેદશિખરની જાત્રા કરી લઈએ તો? તો તો ધર્મ ખરો ને? કહ્યું છે ને કે-‘એકવાર વંદે જો કોઈ તાકો નરક-પશુ ગતિ નહિ હોઈ’.
સમાધાનઃ– ભાઈ! સમ્મેદશિખરની જાત્રાથી શું વળે? એ તો શુભભાવ-પુણ્યભાવ છે, એનાથી પુણ્ય બંધાશે, ધર્મ નહિ થાય. આ ભવ પછી કદાચિત્ સીધી નરક-પશુ ગતિ ન મળે તો પછી મળે, કેમકે જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં જન્મ-મરણનો અંત નથી. મિથ્યાદર્શનનું ફળ તો પરંપરા નિગોદ જ છે ભાઈ! માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવું એ અપૂર્વ છે અને એ પ્રથમ ધર્મ છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે ભાઈ! તેનો લૌકિક સાથે કોઈ મેળ થાય એમ નથી.
અહા! જેને રાગનો રસ છે, તે પછી ચાહે ભગવાનની ભક્તિનો હો કે જાત્રાનો હો, તે ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદરસથી વિરક્ત છે, રહિત છે અને તે મિથ્યાદ્રષ્ટિ છે. જ્યારે ચોથે ગુણસ્થાને સમકિતી કે જેણે નિજરસ-આત્માના આનંદનો રસ-ચાખ્યો છે તે નિજરસથી જ રાગથી વિરક્ત છે. અસંખ્ય પ્રકારે શુભરાગ હો, પણ ધર્મીને રાગનો રસ હોતો નથી. શુદ્ધ ચૈતન્યના અમૃતમય સ્વાદ આગળ ધર્મીને રાગનો રસ ઝેર જેવો ભાસે છે
અહા! જ્ઞાની નિજરસથી જ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. હવે કહે છે- ‘ततः’ તેથી ‘एषः’ તે ‘कर्ममध्यपतितः अपि’ કર્મમધ્યે પડયો હોવા છતાં પણ ‘सकलकर्मभिः’ સર્વ કર્મોથી ‘न लिप्यते’ લેપાતો નથી, તેથી એટલે જ્ઞાની રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો હોવાથી તે કર્મ એટલે કર્મજનિત સામગ્રી-સ્ત્રી, કુટુંબ, લક્ષ્મીધૂળ, આબરૂ તથા અંદરમાં જે રાગાદિ-પુણ્યપાપ થાય તે ક્રિયા ઇત્યાદિમાં પડયો હોવા છતાં તે કર્મથી લેપાતો નથી.