સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] [ ૩૮૧
જુઓ, પહેલાં સોનાનું દ્રષ્ટાંત કહ્યું. હવે લોઢાનું દ્રષ્ટાંત કહે છે. કહે છે-લોઢું કાદવમાં પડયું થકું કાદવથી લેપાય છે અર્થાત્ તેને કાટ લાગે છે કેમકે કાદવથી લેપાવાનો તેનો સ્વભાવ છે. સ્વભાવથી જ લોઢું કાદવમાં પડયું કાટ ખાઈ જાય છે. હવે કહે છે-
‘તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે.’
શું કહ્યું? ‘તેવી રીતે ખરેખર અજ્ઞાની...’ એટલે કે જેમ લોખંડ કાદવથી લેપાય છે તેમ રાગની ક્રિયામાં ને કર્મના ઉદયની સામગ્રીમાં એકત્વ માનતો અજ્ઞાની કર્મની મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે. આ શુભરાગ સાધન છે, શરીર સાધન છે, વાણી સાધન છે, પરદ્રવ્ય મારાં સાધન છે-એમ પરથી એકપણું માનનાર ખરેખર અજ્ઞાની છે અને તે કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે. અહીં ‘કર્મ’ શબ્દે વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ ક્રિયા એમ અર્થ છે. અજ્ઞાની ક્રિયાકાંડને કરતો થકો કર્મોથી લેપાય છે, બંધાય છે. અહા! દ્રષ્ટાંત પણ કેવું લીધું છે! જેમ લોખંડ કાદવ મધ્યે લેપાય છે તેમ અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મોથી લેપાય છે.
અરેરે! આવું મનુષ્યપણું મળ્યું અને જો તત્ત્વની સમજણ કરીને સમ્યગ્દર્શન પ્રગટ ન કર્યું તો અવતાર ઢોર જેવો છે ભાઈ! પાપની મજુરી કરી-કરીને એણે મરવાનું છે, પછી ભલે પ-૧૦ કરોડની સંપત્તિ એકઠી થઈ હોય. અજ્ઞાનીને પાંચ-દસ કરોડ થઈ જાય એટલે જોઈ લ્યો, જાણે ‘હું પહોળો ને શેરી સાંકડી એમ એને થઈ જાય પણ અરે ભગવાન! આ શું થયું છે તને? બાપુ! એ સંપત્તિ કયાં તારામાં છે? અહીં તો કહે છે- કોઈ દિગંબર નગ્ન મુનિ થયા, પાંચ મહાવ્રતાદિ પાળે પણ જો તેને રાગમાં રસ છે, એકત્વ છે તો તે અજ્ઞાની છે અને તેને, જેમ લોઢાને કાદવમાં કાટ લાગે છે તેમ, મિથ્યાત્વનો કાટ લાગે છે; તે કર્મોથી લેપાય છે, બંધાય છે.
ખરેખર અજ્ઞાની રાગાદિ ક્રિયા ને કર્મના ઉદયથી મળેલી સામગ્રીની મધ્યમાં રહ્યો થકો કર્મોથી લેપાય છે કારણ કે તેની દ્રષ્ટિ રાગ ઉપર છે, પર ઉપર છે. પોતાનું અસ્તિત્વ તો શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપે છે; પણ અજ્ઞાનીને આવા નિજ સ્વરૂપની દ્રષ્ટિ છે નહિ. તેથી કયાંય બીજે-દયા-દાન, વ્રતાદિના રાગમાં ને પરમાં તેણે પોતાનું અસ્તિત્વ માન્યું છે. અહાહા...! હું આનંદકંદ પ્રભુ આત્મા છું એમ સ્વીકારવાને બદલે હું રાગ છું, હું ધનાદિમય છું એમ અન્યત્ર પોતાનું અસ્તિત્વ અજ્ઞાનીએ માન્યું છે.
પૈસાથી તો દુનિયામાં મોટાં મોટાં કામ થાય છે ને? શું થાય છે? ધૂળેય પૈસાથી થતું નથી સાંભળને. શું પૈસાથી સમકિત થાય