૩૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે? પૈસા તો ધૂળ-માટી છે. એ ધૂળમાં શું છે કે એનાથી મોટાં કામ (સમકિત આદિ) થાય? અહીં તો રાગથી-શુભરાગથીય આત્મામાં (સમકિત આદિ) કાંઈ ન થાય એમ કહે છે, કેમકે રાગમાં આત્મા નથી ને આત્મામાં રાગ નથી. ભાઈ! આ દયા, દાન, વ્રતાદિનો ભાવ રાગ છે અને તે આત્માની ચીજ નથી. ખરેખર અજ્ઞાની રાગની ક્રિયામાં પડયો થકો હું રાગી છું એમ માનતો કર્મથી લેપાય છે.
જુઓ, સર્વજ્ઞ પરમાત્મા મહાવિદેહમાં સદા બિરાજે છે. કયારેય-કોઈ દિ’ મહાવિદેહમાં ભગવાન તીર્થંકરદેવનો વિરહ હોતો નથી. સાક્ષાત્ ભગવાન ત્યાં અત્યારે પણ બિરાજે છે ને સમોસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ છૂટે છે. હવે ત્યાં સમોસરણની મધ્યમાં બેઠો હોય તોપણ અજ્ઞાની રાગથી-મિથ્યાત્વથી લિપ્ત થાય છે. કેમ? કેમકે અજ્ઞાનીને સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું છે. જોયું? શુભરાગના ગ્રહણરૂપ જેનો સ્વભાવ છે તે અજ્ઞાની છે. અજ્ઞાનીનો રાગના ગ્રહણરૂપ સ્વભાવ છે. જ્ઞાનીને રાગના ત્યાગસ્વભાવપણું છે, જ્યારે અજ્ઞાનીને રાગના ગ્રહણરૂપ સ્વભાવપણું છે. બેમાં આવડો મોટો ફેર છે.
અજ્ઞાનીનો રાગને ગ્રહણ કરવારૂપ સ્વભાવ છે. તેને શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ કરવાપણું નથી તેથી રાગને ગ્રહણ કરવાનો તેનો સ્વભાવ છે. અજ્ઞાનીને રાગની પકડ છે તેથી તે કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લિપ્ત થાય છે. જ્યારે જ્ઞાનીને રાગ આવે છે, પણ રાગની પકડ નથી. જ્ઞાની તો રાગના ત્યાગરૂપ સ્વભાવવાળો છે ને? તેથી તેને રાગની પકડ નથી. તેથી તે કર્મ મધ્યે હોવા છતાં કર્મથી લિપ્ત થતો નથી. જ્ઞાની સ્વભાવને પકડે છે ને રાગને છોડી દે છે; જ્યારે અજ્ઞાની સ્વભાવને છોડી દે છે અને રાગને પકડે છે તો તે રાગથી બંધાય છે. આવી વાત છે.
‘જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની બંધાય છે. આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.’
શું કહ્યું? કે જ્ઞાની શુભાશુભ પરિણામની મધ્યમાં રહેલો હોય છતાં તેને કર્મ બંધાતું નથી. કેમ? કેમકે શુભાશુભના કાળે પણ તેની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્યસ્વભાવ પર છે. જ્યારે અજ્ઞાની કર્મથી બંધાય છે. કેમ? કેમકે એની દ્રષ્ટિ શુભાશુભ પરિણામમાં છે. શુભાશુભ પરિણામ જ હું છું એમ અજ્ઞાનીની પરિણામ ઉપર દ્રષ્ટિ છે તેથી તે બંધાય છે. આવો જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.
પ્રશ્નઃ– જ્ઞાનનો મહિમા તો બરાબર, પણ અજ્ઞાનનો મહિમા શું? ઉત્તરઃ– ભાઈ! રાગને-કે જે પોતાનો સ્વભાવ નથી તેને-પોતાનો માને તે