૩૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. અહીં કહે છે તે કદીય (પર વડે) અજ્ઞાન થતું નથી. અહા! તેને કોઈ પણ રીતે પરદ્રવ્યના કારણે અજ્ઞાન થતું નથી. જરા ધીરે ધીરે વાત આવશે; આકરી વાત છે પ્રભુ!
ભોગવ.
ભાઈ! અહીં કાંઈ ભોગ, ભોગવવાનું કહે છે એમ નથી. એ તો શબ્દો છે. અહીં તો એમ કહેવું છે કે-ભગવાન! તું શુદ્ધ ચૈતન્યઘન છો ને પ્રભુ! તો તને પરદ્રવ્યની પરિણતિથી નુકશાન થાય એમ છે નહિ. જડના ઉપભોગને જડની પરિણતિથી તારામાં નુકશાન થાય એમ છે નહિ, શું કીધું? કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો પૈસા, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ આદિ તરફનું લક્ષ થતાં તને તે જડના કારણે વા પરના કારણે નુકશાન થાય એમ છે નહિ. ભગવાન! તું તો જ્ઞાનાનંદસ્વભાવી છો, તો તને પરવસ્તુના અપરાધે નુકશાન થાય એમ કેમ હોય? એમ છે નહિ, ઝીણી વાત છે ભાઈ!
પ્રશ્નઃ– અહીં ‘ભોગવ’ એમ ચોકખું કહ્યું છે ને? સમાધાનઃ– ભાઈ! આ તો મુનિ (આચાર્ય) છે! શું તે ભોગવવાનું કહે? (અને જ્ઞાની ક્યાં ભોગવે છે?) ‘ભોગવ’નો અર્થ તો એમ છે કે-‘પરદ્રવ્યથી તને નુકશાન નથી’-એમ તેને નિઃશંક કરાવે છે. શરીરની ક્રિયા કે વાણીની ક્રિયા કે બહારના સંયોગને લઈને ધર્મીને અપરાધ થાય, પરદ્રવ્યને લઈને ધર્મીને અપરાધ થાય એમ છે નહિ એમ દ્રઢ કરે છે. સ્વદ્રવ્યના સ્વભાવે નિરપરાધભાવે પરિણમતા જ્ઞાનીને પરદ્રવ્યથી અપરાધ થાય એમ છે નહિ એમ અહીં કહેવું છે. સમજાણું કાંઈ...?
શું કહે છે? કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ છે. તેનો જેને અંતરમાં સ્વાનુભવમાં સ્વીકાર અને સત્કાર થયો છે તેવા ધર્મીને શુદ્ધ ચૈતન્યમય પરિણમન હોય છે અને તે નિર્મળ પરિણમન પરદ્રવ્ય વડે બીજું કરી શકાતું નથી. શરીરાદિની બહારની ગમે તેટલી ક્રિયા થાય તોપણ એનાથી નિરપરાધી ભગવાન આત્માને અપરાધરૂપ કરાતો નથી એમ કહેવું છે.
અહાહા...! કહે છે-હે જ્ઞાની! તું કર્મોદયજનિત ઉપભોગને ભોગવ અર્થાત્ બહારની સામગ્રીને તું ભોગવ. એટલે શું? એટલે કે તારું લક્ષ ત્યાં સામગ્રીમાં જાય તેથી કરીને પરને લઈને તને નુકશાન છે એમ નથી. તારું લક્ષ ત્યાં જાય અને વિકલ્પ ઊઠે તે તારો દોષ છે, પણ પર વસ્તુને કારણે તને કાંઈ દોષ થાય છે એમ છે નહિ. પૈસાનો ખૂબ સંચય થયો કે શરીરની ક્રિયા-વિષયાદિની-ખૂબ થઈ તેથી એ જડની ક્રિયાથી તને નુકશાન થાય છે એમ નથી. પરંતુ તારા ભાવમાં (એ સામગ્રી મારી છે એવો) વિપરીતભાવ હોય તો તને મોટું નુકશાન છે. આવી વાત છે.