સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ] [ ૪૩૩ ગતિને જાણે? અહાહા...! રાગ ને જડથી ભિન્ન પડયો છે એવા ભગવાન આત્માની ઉજ્જ્વળ પરિણતિને તે કેમ જાણે? જુઓને! પોતે (અજ્ઞાની) બાલબ્રહ્મચારી હોય છતાં તેને રાગની એકતાબુદ્ધિ છે, અને જ્ઞાનીને ૯૬ હજાર સ્ત્રીઓ હોય છતાં રાગની એકતાબુદ્ધિ નથી. હવે આ ફેરને અજ્ઞાની કેમ જાણે?-એમ કહે છે. બાળબ્રહ્મચારી હોવા છતાં પોતે (-અજ્ઞાની) શુદ્ધતાનો સ્વામી નથી તથા ૯૬ હજાર સ્ત્રીઓ હોવા છતાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાયના અભાવથી ઉત્પન્ન શુદ્ધતાનો જ્ઞાની-સમકિતી સ્વામી છે. આવો ફેર છે તે અજ્ઞાની જાણતો નથી.
મિશ્રપણું જ્ઞાનીને જ હોય છે, કેમકે સાધકપણું હોય ત્યાં જ કિંચિત્ બાધકપણું હોય છે; અને છતાંય તે (-જ્ઞાની) તેનો (-બાધકપણાનો) સ્વામી નથી કેમકે તેને રાગમાંથી (-બાધકમાંથી) રસ ઊડી ગયો છે. અહા! ઇન્દ્રના ઇન્દ્રાસનમાં પણ તેને સુખબુદ્ધિ નથી. ઇન્દ્ર ક્રોડો અપ્સરાઓ સાથે રમતો દેખાય છતાં ત્યાં એને સુખબુદ્ધિ નથી અને અજ્ઞાની બાળબ્રહ્મચારી હોય કે સાધુ થયો હોય છતાં રાગમાં તેને રસ છે, પરમાં સુખબુદ્ધિ ઊભી છે. આવી વાત છે.
હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-
‘यत् भय–चलत्–त्रैलोक्य–मुक्त–अध्वनि वज्रे पतति अपि’ જેના ભયથી ચલાયમાન થતા-ખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં,...
અહા! દેવો તરફથી વજ્રપાત થાય કે આમ આકાશમાંથી અગ્નિ ઝરતી હોય તે વખતે લોકમાં અજ્ઞાનીઓ પોતાનો માર્ગ છોડી દે છે અર્થાત્ ભયભીત થઈને માર્ગમાંથી ખસી જાય છે.
પરંતુ ‘अमी’ આ સમ્યગ્દ્રષ્ટિ જીવો ‘निसर्ग–निर्भयतया’ સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે... , જોયું? સમ્યગ્દ્રષ્ટિ સ્વભાવથી જ નિર્ભય છે. ભગવાન આત્મા નિર્ભયસ્વભાવ છે, આત્મામાં-વસ્તુમાં ભય નથી. આવા નિર્ભયસ્વભાવી આત્માના અનુભવને લઈને સમ્યગ્દ્રષ્ટિ નિર્ભય છે. તેથી કહે છે-
સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે ‘सर्वान् एव शंकां विहाय’ સમસ્ત શંકા છોડીને અર્થાત્ ભયરહિત થઈને ‘स्वयं स्वं अवध्य–बोध–वपुषं जानन्तः’ પોતે પોતાને જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે એવો જાણતા થકા, ‘बोधात् च्यवन्ते न हि’ જ્ઞાનથી ચ્યુત થતા નથી.