૪૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અહાહાહા...! શું કહે છે? કે ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવ જેનું શરીર છે તે આત્મા છે. જાણગ-જાણગ-જાણગ એવા સ્વભાવનો પિંડ તે ભગવાન આત્માનું શરીર છે, અને તે જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે અર્થાત્ કોઈથી કદીય હણી શકાય નહિ એવું છે. અહાહા...! ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એવા જ્ઞાનશરીરી ભગવાન આત્માનો કોણ વધ કરે? એ તો અવધ્ય છે. છે? છે ને પાઠમાં કે-‘अवध्य–बोध–वपुषं’–
અહાહા...! ભગવાન! તું કોણ છો? તો કહે-આત્મા; તો એનું શરીર શું? જ્ઞાન તેનું શરીર છે. આ ઔદારિક દેહ, કે કર્મદેહ કે રાગદેહ-તે આત્મા નહિ. અહાહા...! આ શરીર, મન, વાણી, કર્મ-તે આત્મા નહિ અને એક સમયની પર્યાય તે પણ આત્મા નહિ. આત્મા તો જ્ઞાન જેનું શરીર છે તે આત્મા છે. આત્મા ત્રિકાળી ધ્રુવ-ધ્રુવ જ્ઞાનશરીરી છે ને તે અવધ્ય છે. અહાહા...! સમકિતી એમ જાણે છે કે- જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો મારો નાથ અવધ્ય છે, કોઈથી કદીય હણી શકાય નહિ તેવો છે. અહા! પોતાને આવો જાણતા-અનુભવતા થકા સમ્યગ્દ્રષ્ટિ જીવો જ્ઞાનથી ચ્યુત થતા નથી એટલે કે પોતાનો જે શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવ છે ત્યાંથી ખસતા નથી. અહાહા...! ધર્મી જીવો નિરાકુળ આનંદનો અનુભવ છોડી દઈને રાગમાં-ઝેરમાં એકત્વ પામતા નથી. આવી વ્યાખ્યા છે.
‘बोधात् च्यवन्ते न हि’–અહાહા...! જ્ઞાનાનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે, તેને ભાળ્યા પછી ધર્મી ત્યાંથી ચ્યુત થતા નથી, ભ્રષ્ટ થતા નથી. એટલે શું? કે જ્ઞાનભાવ છોડીને રાગમાં આવતા નથી. ઓહો! જુઓ આ ધર્મ! અરે ભાઈ! ભગવાન જેને અંદરમાં ભેટયા તેની શી વાત? ભગ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મી, વાન નામ વાળો; અહા! આવા અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા જ્યાં અનુભવમાં આવ્યો ત્યાં કિંચિત્ રાગ થઈ આવે તોપણ જ્ઞાની સ્વરૂપલક્ષ્મીના અનુભવથી ચ્યુત થતા નથી; પણ જે રાગની ક્રિયા થાય છે તેને તે માત્ર જાણે છે, આ રાગ છે, પર છે એમ જાણે છે; તે પણ રાગ છે માટે જાણે છે એમેય નહિ.
અહાહા...! ‘જાણતા થકા’-એમ છે ને? ‘अवध्य–बोध–वपुषं जानन्तः’–આત્મા કોઈથી હણાય નહિ એવો જ્ઞાનશરીરી પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘનપિંડ છે. તેને જાણતા થકા હોં, રાગને જાણતા થકા એમ નહિ. અહા! વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે! લોકોને તે મળ્યો નથી એટલે બિચારા કયાંય ને કયાંય રોકાઈ જઈને જિંદગી ગાળે છે. તેઓ ભયભીત છે, દુઃખી છે. અહીં કહે છે-જેને આ મારગ મળ્યો છે તેને હવે કોઈ ભય નથી, તે જ્ઞાનથી ચ્યુત થતા નથી. જ્ઞાનથી એટલે કે સ્વરૂપના અનુભવથી ચ્યુત થઈને તે રાગમાં આવતા નથી. આવી વાત છે. હવે કહે છે-
‘इदं परं साहसं सम्यग्द्रष्टयः एव कर्तुं क्षमन्ते’ આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દ્રષ્ટિઓ જ સમર્થ છે.