૪પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. રાગાદિ હોય તોપણ તે સદા જ્ઞાનને જ અનુભવે છે. સ્વને જાણે છે અને રાગનેય જાણે છે-એમ જ્ઞાનને જ અનુભવે છે. રાગને જાણે છે એમ કહેવું એ પણ અપેક્ષાથી છે. ખરેખર તો રાગ સંબંધીનું જ્ઞાન જે પોતાથી પોતા વડે તે કાળે સહજ થયું છે તે પોતાના જ્ઞાનને તે અનુભવે છે. તે જ્ઞાનને વેદે છે, રાગને નહિ તેથી તેને અરક્ષાભય નથી.
અહીં અરક્ષાનો ભય જ્ઞાનીને નથી એ અર્થ ચાલે છે. તો કહે છે- ‘સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી.’ જે વસ્તુ સત્તાપણે-હોવાપણે છે તેનું કોઈ કાળે નહોવાપણું થતું નથી. આ સર્વસાધારણ નિયમ કહ્યો. હવે કહે છે-
‘જ્ઞાન પણ તો સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય.’
જ્ઞાન નામ આત્મા સ્વયં સત્તાસ્વરૂપ અથવા હોવાવાળું તત્ત્વ છે. તેથી બીજા રક્ષા કરે તો રહે એવું તે તત્ત્વ નથી. એ તો અનાદિઅનંત સ્વયં રક્ષિત જ વસ્તુ છે. જે શાશ્વત સત્તાસ્વરૂપ વસ્તુ છે તેને બીજાની શું અપેક્ષા છે? કાંઈ નહિ.
‘જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી.’ અહા! પોતાના ત્રિકાળી શાશ્વત સ્વરૂપને-શુદ્ધ સચ્ચિદાનંદ ભગવાનને જેણે દ્રષ્ટિમાં લીધો છે તેને ‘કોઈ રક્ષા કરે તો રહું’-એવું કયાં છે? હું તો સદા શાશ્વત શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા છું એમ જેણે જાણ્યું-અનુભવ્યું છે તે ધર્મી જીવને અરક્ષાનો કોઈ ભય નથી. આ તો બાપા! એકલી માખણ-માખણની વાત છે.
કહે છે-‘તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે.’
નિઃશંક વર્તતો થકો એટલે નિર્ભયપણે પોતાના પુરુષાર્થથી વર્તતો થકો તે સદા સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. નિઃશંક નામ નિર્ભય; પોતાનો ચૈતન્ય કિલ્લો કાળથી અભેદ્ય છે ને? પોતાની સત્તા ત્રિકાળ શાશ્વત છે. આવું જાણતો જ્ઞાની નિઃશંક થઈ પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. અહા! વસ્તુના શાશ્વત ભાવને દ્રષ્ટિમાં લીધો છે તેથી તે પર્યાયમાં નિઃશંકપણે તેને અનુભવે છે.
પ્રશ્નઃ– તે કઈ અવસ્થામાં નિઃશંક વર્તે છે? ઉત્તરઃ– સમ્યગ્દર્શનની અવસ્થામાં નિઃશંક વર્તે છે. મારી ચીજ ત્રિકાળ શાશ્વત છે એમ સમ્યગ્દર્શનમાં એને પ્રતીતિ-ભાન થયું છે. આ શરીર, મન, વાણી ઇત્યાદિ