સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪પ૭ નાશવંત ચીજ તો પર છે, તે મારી ચીજ નથી. તે નાશ પામો તો પામો; મારી તો એક ત્રિકાળ શાશ્વત શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે. આવી જેને પ્રતીતિ થઈ છે તે પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. ભાષા જોઈ! સ્વયં અર્થાત્ પોતે પોતાના ભાવથી અનુભવે છે.
પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. જ્ઞાન શબ્દે અહીં પોતાના આત્માનું ગ્રહણ છે. જેને આત્માના સ્વભાવની સત્તાનો અનુભવ થયો છે તે, નિજ સત્તાને સ્વીકારીને અનુભવે છે એમ કહે છે. આ ધર્મદશા છે.
ભગવાન આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ સ્વયંસિદ્ધ સત્તા છે. સ્વયંસિદ્ધ નામ કોઈથી નહિ કરાયેલી એવી અનાદિ અનંત અકૃત્રિમ વસ્તુ ભગવાન આત્મા છે. તેને ધર્મી પુરુષે પોતાની દ્રષ્ટિમાં લીધી છે. તેથી સ્વયં એટલે રાગની અપેક્ષા વિના, વ્યવહારના રાગની અપેક્ષા વિના, પોતાના સ્વાભાવિક જ્ઞાનને નિરંતર એટલે અખંડ ધારાએ-કોઈવાર રાગનો અનુભવ ને કોઈવાર જ્ઞાનનો અનુભવ એમ નહિ-પણ ખંડ ન પડે એમ અખંડધારાએ અનુભવે છે.
અહીં ‘સ્વયં’ એટલે પોતે પોતાથી પોતાને અનુભવે છે એમ વાત છે. ત્યારે કોઈ વળી કહે છે-સ્વયં એટલે પોતે પોતારૂપ અનુભવે છે, સ્વથી વા પરથી. પોતાથી જ અનુભવે છે એમ નહિ પણ પરથી પણ પોતે પોતારૂપ અનુભવે છે એમ એનું કહેવું છે.
અરે ભાઈ! પોતે પોતાથી જ સદા પોતાને પોતારૂપ અનુભવે છે અને પરથી કદીય નહિ એ મૂળ સિદ્ધાંત છે. શું પર વડે પોતારૂપ અનુભવ થાય? ન થાય. બાપુ! આ તો તારી મૂળમાં ભૂલ છે પ્રભુ! વસ્તુ ભગવાન આત્મા અખંડ એક જ્ઞાયકભાવ પરમપારિણામિક ભાવ છે. પારિણામિકભાવ તો પરમાણુય છે. પણ આ તો જ્ઞાનસ્વભાવભાવ છે ને! તેથી તે પરમપારિણામિકભાવ શાશ્વત જ્ઞાયકભાવ છે. તેને જ્ઞાની સ્વયં એટલે પોતાથી જ-પોતાના આશ્રયે-પરના આશ્રય ને અવલંબન વિના જ અનુભવે છે. સદા અનુભવે છે એમ કહીને એમ કહ્યું કે-‘રાગ મારો છે’ એમ જ્ઞાની કદીય અનુભવતો નથી પણ ‘જ્ઞાન જ મારું છે’-એમ સદા અનુભવે છે. સમજાણું કાંઈ...?
હવે અગુપ્તિભવનું કાવ્ય કહે છેઃ-
‘किल स्वं रूपं वस्तुनः परमा गुप्तिः अस्ति’ ખરેખર વસ્તુનું સ્વ-રૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ) વસ્તુની પરમ ‘ગુપ્તિ’ છે.