સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪પ૯ રહેલું હોય છે. આવો મારગ સમજવો કઠણ પડે પણ શું થાય? મારગ તો આ જ છે બાપા!
અહા! આ સંસાર જુઓને! આ નાની નાની ઉંમરમાં ક્ષણમાં દેહ છૂટી જાય છે. એ તો દેહની સ્થિતિ જ એવી હોય ત્યાં બીજું શું થાય? આકસ્મિક તો કાંઈ છે નહિ. એ તો ૧૬૦ કળશમાં કહેશે કે અકસ્માત જેવું કાંઈ છે જ નહિ. લોકોને ખ્યાલમાં ન હોય એટલે લોકો તેને અકસ્માત કહે છે પણ અકસ્માત જેવું કાંઈ છે જ નહિ, બધું ક્રમનિયમિત છે. વળી આ દેહ છે એ તો જડ ધૂળ-માટી છે; તેને ભગવાન આત્માનો સ્પર્શ જ કયાં છે? એ તો ત્રીજી ગાથામાં આવી ગયું કે-સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે-સ્પર્શે છે તોપણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અહા! ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયને સ્પર્શે છે પણ પરમાણુ આદિને સ્પર્શતો નથી. લ્યો, આવી વાત!
પ્રશ્નઃ– પિતા પુત્રને ચુંબે છે ને? સમાધાનઃ– ભાઈ! કોણ ચુંબે? બાપુ! તને ભ્રમણા છે. ભગવાન આત્મા પોતાના અનંત ગુણ-સ્વભાવને અને તેની નિર્મળ પર્યાયને ચુંબે છે, સ્પર્શે છે પણ તે સિવાય શરીર, મન, વાણી, કર્મ કે સ્ત્રી-પુત્ર-પરિવાર ઇત્યાદિ કોઈ બહારના પદાર્થોને કોઈ દિ’ સ્પર્શ્યો નથી, સ્પર્શતોય નથી. અહા! આવા ભગવાનસ્વરૂપ આત્મામાં જેણે પોતાની દ્રષ્ટિ સ્થાપી છે તે ધર્માત્મા પુરુષ નિરંતર નિઃશંક વર્તતો થકો એક જ્ઞાનસ્વરૂપ આત્માને જ અનુભવે છે. ‘નિરંતર નિઃશંક વર્તતો થકો’-એમ છે ને? મતલબ કે- અખંડધારાએ જેમ પોતાનું સત્ છે તેમ અખંડધારાએ નિઃશંક તેમાં તે વર્તે છે. બીજે આવે છે ને કે-
ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ શાશ્વત શુદ્ધ વસ્તુ સદા ગુપ્ત છે. તેમાં રાગનો પ્રવેશ નથી. ત્યાં રાગથી ભિન્ન શુદ્ધ શાશ્વત સ્વભાવમાં એકાગ્ર થવું તે ભેદજ્ઞાન સાબુ છે. અને સમરસ-વીતરાગરસ-ચૈતન્યરસની મૂર્તિ પ્રભુ આત્મામાં નિઃશંક અખંડધારાએ એકાગ્રતા થતાં ઉત્પન્ન થયેલો જે વીતરાગપરિણતિરૂપ સમરસભાવ તે ‘સમરસ નિર્મલ નીર’ છે. અને ‘ધોબી અંતર આતમા ધોવૈ નિજ ગુણ-ચીર’ એટલે કે અંતર-એકાગ્રતા વડે ધર્મી મલિનતા દૂર કરીને શુદ્ધતાની પરિણતિને ઊભી કરે છે.