૪૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ આ પરિણતિની વાત છે હોં; ગુણ તો ગુણ ત્રિકાળ નિર્મળ જ છે (એમાં કયાં કાંઈ કરવું છે?). આવો મારગ છે, ભાઈ!
અહીં કહે છે-જ્ઞાની નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને નિરંતર એટલે અખંડધારાએ સદા અનુભવે છે. લ્યો, ‘सततं’ અને ‘सदा’ જ્ઞાનને અનુભવે છે. અખંડધારાએ સદા જ્ઞાનને અનુભવે છે, કદીય રાગને અનુભવે છે એમ નહિ. ઓહો! જુઓ આ નિર્જરાની દશા! કહે છે કે કર્મની નિર્જરા તેને થાય છે, તેને અશુદ્ધતા ઝરી જાય છે અને તેને શુદ્ધિની વૃદ્ધિ થાય છે કે જે પોતાની શાશ્વત શુદ્ધ ચૈતન્યસત્તાને નિરંતર નિર્મળ પરિણતિ દ્વારા અનુભવે છે. અહા! સંવરમાં શુદ્ધિ પ્રગટે છે, નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે ને મોક્ષમાં શુદ્ધિની પૂર્ણતા થાય છે. અહા! આ તો દુનિયા આખીથી જુદી વાત છે. અત્યારે સંપ્રદાયમાં ધર્મના નામે જે ચાલે છે એનાથી આ જુદી વાત છે બાપા!
આ અગુપ્તિભયનો કળશ ચાલે છે. કહે છે-જ્ઞાની નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ એક જ્ઞાનને સદા અનુભવે છે; એટલે કે તે શાશ્વત એક ધ્રુવને અનુભવે છે, ત્યાં જોકે અનુભવે છે તો પર્યાયને, પણ તે (પર્યાય) ધ્રુવની સન્મુખ છે ને? ધ્રુવને અવલંબી છે ને? એટલે ધ્રુવને અનુભવે છે એમ કહ્યું છે. ૧૧ મી ગાથાની ટીકામાં આવે છે કે- જ્ઞાયકભાવ આવિર્ભાવ પામે છે. હવે, જ્ઞાયકભાવ તો જ્ઞાયકભાવ (રૂપે) જ છે; પરંતુ પર્યાયમાં તે જણાયો તો જ્ઞાયકભાવ આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે. અહા! ભાષા તો એવી છે કે જ્ઞાયકભાવ આવિર્ભાવ પામે છે, પ્રગટે છે. અરે ભાઈ! મોર જેમ પોતાની પાંખોની કળાથી ખીલી નીકળે છે તેમ ભગવાન આત્મા પોતાના અનંતગુણની પર્યાયથી અંદર ખીલી નીકળે છે. પણ જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે. જ્ઞાયકનો જ્યાં આશ્રય લીધો ત્યાં આશ્રય કરનારી પર્યાયમાં જ્ઞાયક જણાયો તો જ્ઞાયક આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે. સમજાણું કાંઈ...?
અજ્ઞાનીએ ભગવાન જ્ઞાયકભાવને પર્યાય ને રાગબુદ્ધિની આડમાં તિરોભૂત કર્યો હતો, ઢાંકી દીધો હતો. અહા! જ્ઞાયકભાવ કાંઈ તિરોભાવ કે આવિર્ભાવ પામતો નથી; એ તો છે તે છે. પરંતુ રાગ ને પર્યાયબુદ્ધિની આડમાં તે જણાતો નહોતો તો પર્યાયમાં તે છતી ચીજ જે જ્ઞાયકભાવ તે ઢંકાઈ ગઈ છે એમ કહેવાય છે. છે તો ખરી, પરંતુ પ્રગટ પર્યાયમાં રાગનું-પર્યાયનું જ અસ્તિત્વ સ્વીકાર્યું તો જ્ઞાયકભાવનો સ્વીકાર છૂટી ગયો. પણ જ્યારે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ અખંડ એક જ્ઞાયકભાવનો પર્યાયમાં સ્વીકાર કર્યો ત્યારે તેને જ્ઞાયકભાવ આવિર્ભૂત થયો-પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. ભાષા તો એમ આવે કે-જ્ઞાયકભાવ પ્રગટ થયો, પણ બાપુ! કઈ અપેક્ષાએ વાત છે તે યથાર્થ સમજવું જોઈએ. જ્ઞાયકભાવ કાંઈ નવો પ્રગટે છે એમ છે નહિ; પણ જ્ઞાયકભાવ પ્રતિ અંતર્મુખ થયેલી પર્યાયમાં-‘આ હું છું’-એમ જ્ઞાયકભાવનો