૪૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
સમાધાનઃ– અરે ભાઈ! ગુરુ તો અંદર આત્મા પોતે છે. અહાહા...! ચૈતન્ય મહાપ્રભુ આત્મા અંદર પોતાનો ગુરુ પરમાત્મસ્વરૂપે વિરાજે છે, અને તેને પોતે દ્રષ્ટિમાં લે ત્યારે તેણે ગુરુ ધાર્યા છે. સ્વરૂપમાં દ્રષ્ટિ દીધા વિના ‘ગુરુ ધાર્યા છે’ એ કયાંથી આવ્યું? ભાઈ! માસ્ટર-કી (Master Key) છે. એને (માસ્ટરકીને) લગાડયા વિના બધું રણમાં પોક મૂકવા જેવું છે. સમજાણું કાંઈ...?
આ માણસના મૃત્યુ પછી પાછળ રોકકળ નથી કરતા? પણ બાપુ! તું કોને રોવે છે? તું જો તો ખરો કે-‘રોનારેય નથી રહેનાર રે’-રોનાર પણ રહેવાનો નથી. સમજે તો આટલામાંય ઘણું કહ્યું ભાઈ! બાકી તો રખડપટ્ટી ઊભી જ છે.
‘ગુપ્તિ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે.’ શું કહ્યું? કે ખુલ્લા પ્રદેશમાં પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. તેથી પ્રાણીઓ ગુપ્તિ-ભોયરું-કિલ્લો આદિ ઇચ્છે છે.
હવે કહે છે-‘જ્ઞાની જાણે છે કે-વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે.’
અહા! શું કહ્યું? કે વસ્તુના નિજ સ્વરૂપમાં અર્થાત્ ચૈતન્યપણે ત્રિકાળ અસ્તિરૂપ ભગવાન આત્મામાં બીજા કોઈનો પ્રવેશ નથી. ગજબ વાત ભાઈ! આ શરીરને જમૈયો વાગે ને? તો કહે છે કે તે આત્માને અડયો નથી. ઝીણી વાત છે પ્રભુ!
પણ શરીરને અડે છે કે નહિ?
અરે ભાઈ! શરીરનેય તે અડતો નથી સાંભળને, અને શરીર આત્માને પણ અડતું નથી. ‘બહિઃ લુઠતિ’-એમ આવે છે ને? અહા! બહાર લોટે છે પણ અંદર અડતો નથી. ભ્રમણાથી (અડે છે એવું) માને છે. પણ અરેરે! તું શું કરે છે પ્રભુ! આ? અરરર...! તારી આ અવસ્થા પ્રભુ! ત્રણલોકનો નાથ તું, ને આ શું કહેવાય? તને શું થયું છે પ્રભુ? પોતાની નિજ રમતુ મૂકીને તું પરમાં રમવા ગયો અને વ્યભિચારી થઈને પરમાં વેચાઈ ગયો! (ભ્રમણા છોડી દે).
અહીં કહે છે-સ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. અહા! ચિદાનંદઘન પ્રભુ આત્મામાં કોણ પ્રવેશ કરે? જેમ ચક્રવર્તીના દરબારમાં કોઈ દુશ્મન પ્રવેશી ન શકે.