Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2389 of 4199

 

૪૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભોગવે છે, વિકારને જ ભોગવે છે. અહા! તે વિકારને ભોગવે છે તે દુઃખ છે, અધર્મ છે, કેમકે તે સ્વભાવ નથી. જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિ નિત્યાનંદ અચળ એક ધ્રુવ જ્ઞાનાનંદ સ્વભાવ પર રહેલી છે. તેથી (તે દ્રષ્ટિના કારણે) તે પોતાનું સર્વસ્વ જે એક જ્ઞાનાનંદ સ્વભાવ તેને ભોગવે છે.

અહા! મારા સ્વરૂપમાં અલ્પજ્ઞતા નહિ, વિકાર નહિ અને નિમિત્ત પણ નહિ એવો હું નિજરસથી ભરેલો જ્ઞાનાનંદ-સ્વભાવી આત્મા છું. અહા! દ્રષ્ટિમાં આવા આત્માનો જેને સ્વીકાર થયો છે તે ધર્માત્મા છે, જ્ઞાની છે. તે જ્ઞાનીને કહે છે, નિઃશંક્તિ આદિ આઠ ગુણો પ્રગટ થયા છે તે સમસ્ત કર્મને હણે છે. લ્યો, આ અશુદ્ધતા અને કર્મ કેમ હણાય છે એ કહે છે કે પોતાના પરમ શુદ્ધ પૂર્ણાનંદ સ્વરૂપને ભોગવતા જ્ઞાનીને જે નિઃશંક્તિ આદિ ગુણો પ્રગટે છે તે સર્વ કર્મનો નાશ કરી દે છે, અશુદ્ધતાને મિટાવી દે છે. હવે કહે છે-

‘तत्’ માટે, ‘अस्मिन्’ કર્મનો ઉદય વર્તતાં છતાં, ‘तस्य’ સમ્યગ્દ્રષ્ટિને ‘पुनः’ ફરીને ‘कर्मणः बन्धः’ કર્મનો બંધ ‘मनाक् अपि’ જરા પણ ‘नास्ति’ થતો નથી.

કર્મનો બંધ જરા પણ થતો નથી એમ કહે છે. અહા! પોતાનું સર્વસ્વ પોતાનો જે અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વભાવ તેને ભોગવતો જ્ઞાની નિઃશંક્તિ આદિ પ્રગટ આઠ ગુણ (- પર્યાય) વડે કર્મને હણે છે. તેથી, કર્મનો ઉદય વર્તતાં છતાં, તેને ફરીને જરા પણ કર્મબંધ થતો નથી. જુઓ આ સમકિતીની વિશેષ દશા!

અહીં જ્ઞાનીને કિંચિત્ અલ્પ બંધ થાય છે તેની ગણતરી ગણી નથી. અહા! વીતરાગસ્વરૂપી-જ્ઞાનાનંદસ્વરૂપી અભેદ એક આત્માની જ્યાં દ્રષ્ટિ ને અનુભવ થયાં ત્યાં ધર્મીને કર્મનો ઉદય વર્તતાં છતાં, તેને બંધ નથી, કેમ? કેમકે તેને ઉદયનું વેદન નથી, પણ તેને તો એક આત્માના આનંદનું વેદન છે. અહાહા...! જ્ઞાનીને તો એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું વેદન છે, રાગનું વેદન તેને છે નહિ; માટે તેને નવાં કર્મ બંધાતાં નથી એમ કહે છે. આવો મારગ પામ્યા વિના જીવ અનંતકાળમાં ૮૪ ના અવતારમાં દુઃખી થયો છે.

જુઓને! આ દેહ તો ક્ષણભંગુર છે. ઘડીકમાં એનું શુંય થઈ જાય (નાશ પામી જાય). ભાઈ! આ તો ઉપર ચામડીથી મઢેલો હાડકાંનો માળો છે. તેની તો ક્ષણમાં રાખ થઈ જશે કેમકે એ તો રાખ થવાયોગ્ય નાશવંત છે. પણ અંદર ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ અવિનાશી છે. જ્ઞાની તેને જાણે છે, અનુભવે છે. અહીં કહે છે-ભગવાન આત્માના આનંદને ભોગવતો જ્ઞાની, તેને કર્મનો ઉદય વર્તતો હોવા છતાં, નવીન કર્મબંધને પામતો નથી.

પ્રશ્નઃ– તો શું દુઃખનું વેદન જ્ઞાનીને સર્વથા નથી?